રાજ્યમાં ઘણા લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. રાજ્યના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કાચા સોનાની જેમ વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આ વરસાદના કારણે અનેક લોકોની હાલત કફોડી બની ગઈ છે. ઉત્તર ગુજરાતના વાવ-થરાદમાં આ વર્ષે વધુ વરસાદ પડવાથી લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ પંથકમાં અત્યાર સુધી 10 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જેના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ છે અને ખેતરો ટાપુમાં ફેરવાઈ ગયા છે. વાવ-થરાદ પંથકમાં આના પહેલાં વર્ષ 2017 માં 20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રવિવારે અને સોમવારે મુશળધાર વરસાદ વરસતા લોકોને 2017 ની યાદ આવી જતા ગભરાટનો માહોલ પેદા થયો હતો.

વાવમાં રવિવારે વીજળી અને પવન અને મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષઓ ધરાશાયી થયા તેમજ વીજપોળ પડી જતા વીજળી ડુલ થઇ ગઈ હતી. અનેક કેનાલો અને રસ્તાઓ તૂટી ગયા છે. ઉત્તર ગુજરાતના વાવ પંથક બાદ સૌથી વધુ વરસાદ થરાદમાં વરસ્યો છે. થરાદ તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ છે. તેમજ ખેતરોના બંધપાળા તૂટી જતા પાકનું અને ખેતીનું ધોવાણ થઇ રહ્યું છે. સરકારે તાત્કાલિક ધોરણે NDRF ની ટીમ એલર્ટ કરી છે.
થરાદ તાલુકાના ડોડગામ, ખાનપુર ગામામાં ખેડૂતોનું સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. થરાદના બસ સ્ટેશનના વર્કશોપમાં પાણી ભરાવવાના કારણે રીપેરીંગ માટે આવનારી બસોને રીપેર કરવામાં તકલીફ પડી રહી છે. આ તરફ લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી આગામી ત્રણ-ચાર દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
