ગુજરાત સહીત સમગ્ર ભારતભરમાં વરસાદનો માહોલ છવાયેલો છે. ત્યારે, હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી ૩ દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે અને સમુદ્રી ઊંચાઇથી 7.6 કિલોમીટરે દક્ષિણ પશ્ચિમ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેથી આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવવાની સંભાવના છે. જેમાં આવતીકાલે રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર, સોમનાથ, આણંદ, વડોદરા, ભરૃચ, સુરત, નવસારી,કચ્છ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં બુધવારે પણ ભારે વરસાદ પડી શકે છે.

આજે જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જેના પગલે કાલાવડમાં મૂશળધાર 16 ઈંચ વરસાદના કારણે નદી અને નાળા છલકાઈ ગયા છે. ગત 24 કલાકમાં દ્વારકામાં 11, કલ્યાણપુરમાં 8.50, માણવદર ફલ્લા – કેશોદમાં 8, રાજકોટમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત, વંથલી અને માળિયા ખાતે 2.5 થી 3, માંગરોળમાં 3, વિસાવદર અને મેંદરડામાં 4.5 તેમજ કેશોદમાં 7 ઈંચ વરસાદ થયો છે. ગીર સોમનાથના જિલ્લા વેરાવળમાં 1, તાલાલા – સુત્રાપાડામાં 0.5, કોડીનાર 1 અને ગીરગઢડામાં મૂશળધાર 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

તે ઉપરાંત, ડોળાસામાં સતત ચોથા દિવસે 2 ઈંચ વરસાદ પડયો છે. ઉના શહેર અને ગ્રામ્યમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ થયો, જેના કારણે સૈયદ રાજપરામાં દરિયાની રક્ષક દીવાલમાં ગાબડું પડયું હતું, અને બે માળનાં એક મકાનની દીવાલ પણ તૂટી જતા ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી. લોઢવામાં 48 કલાકમાં 7 ઈંચ વરસાદ થયો છે. પોરબંદરમાં ગઈકાલે 8 ઈંચ વરસાદ અને આજે વધુ પોણો ઈંચ, કુતિયાણામાં અર્ધો ઈંચ તથા રાણાવાવમાં વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. જિલ્લામાં 24 કલાકમાં 12 ઈંચ સુધીનો વરસાદ થતા NDRF ની ટીમ બોલાવાઈ છે.
આ પણ વાંચો : અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, જુઓ વિડીયો…
બરડા પંથકનાં ગામોમાં 10થી 12 ઈંચ, માધવપુરમાં બે દિવસમાં 9 ઈંચ, મોરબીમાં દોઢ ઈંચ, વાંકાનેરમાં એક, માળિયામિયાણામાં પણ દોઢ, હળવદમાં બે તથા ટંકારામાં 24 કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેર, લાઠી, લીલિયા, વડીયા, બાબરામાં આજે ભારે ઝાપટાં સાથે વરસાદી માહોલ છવાયેલો છે.
