ઉપરવાસમાં ભારે વરસાદની આગાહીને પગલે ઉકાઇ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાતાં શહેરના કોઝવેની સપાટીમાં સડસડાટ વધારો થયો છે. તાપી નદીનું જળ સ્તર વધતાં સિઝનમાં પહેલીવાર સુરતમાં કોઝવેની સપાટી રાત્રે 12 વાગ્યે 8.75 મીટરે પહોંચી હતી. ડેમનો ડિસ્ચાર્જ વધારીને 2 લાખ સુધી કરી દેવામાં આવતાં મધરાત સુધીમાં સપાટી 9 મીટર થઈ ગઈ છે. છેલ્લા 18 કલાકમાં જ સપાટીમાં દોઢ મીટરનો વધારો થયો છે. 2.50 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ થશે તો ફલડગેટ બંધ કરવા પડશે.

મંગળવારે શહેરમાં છૂટોછવાયો વરસાદ રહ્યો હતો. માત્ર ઉધનામાં 1.25 ઇંચ વરસાદ હતો. જ્યારે સેન્ટ્ર્લમાં 7 મિમી, વરાછા-બીમાં 2 મિમી, રાંદેરમાં 5 મિમી, કતારગામમાં 8 મિમી, લિંબાયતમાં 13 મિમી, અઠવામાં 6 મિમી વરસાદ નોંધાયો છે. આગામી ત્રણ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.