ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામની યાત્રાએ નીકળેલા સેંકડો ગુજરાતીઓ અધવચ્ચે ફસાઇ ગયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અટવાઇ ગયા છે. હજુ પણ ઉત્તરાખંડમાં આવતા ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને રોકી દેવાઇ છે.

મળતી માહિતી પ્રમાણે ગંગોત્રીમાં ભારે વરસાદના લીધે હજારો ગાડીઓ અટકાવી દેવામાં આવી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે કેટલાંય યાત્રીઓ રસ્તામાં જ ફસાઇ ગયા છે. ભારે વરસાદના કારણે યાત્રીઓ જે જગ્યા પર છે ત્યાં જ તેમને અટકાવી દેવાયા છે. ચારધામ યાત્રાને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે અને દર્શન માટે પહોંચેલા યાત્રાળુઓને વચ્ચેથી જ પાછા મોકલવામાં આવી રહ્યા છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ચારધામ યાત્રા માટે પહોંચેલા યાત્રાળુઓને આગળ ન વધવાની ચેતવણી આપવામાં આવી હતી. અહીંના ચારભાગા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને મુસાફરોને પાછા વાળવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રુમની મુલાકાત લીધી હતી.