આજે IPLની પાંચમી મેચ અબુધાબીના ગ્રાઉન્ડ પર સાંજે 7:30 એ શરુ થશે. આજે મુંબઈ ઈન્ડિયન્સની બીજી મેચ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની પ્રથમ મેચ છે. આજે બંને ટીમ વચ્ચે હાઈવોલ્ટેજ ટક્કર થશે. આજની બંને ટીમ પાસે ધુરંધર ખેલાડીઓ હોવાથી રનોની સરખામણી થવાની સંભાવના વધારે છે.

મુંબઈની ટીમ પાસે રોહિત શર્મા, ક્વિન્ટન ડિકોક, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા સહિતના બેટ્સમેનો છે. જયારે, કોલકત્તાની ટીમમાં સુનિલ નરૈન, આન્દ્રે રસૈલ, નીતિશ રાણા જેવા બેટ્સમેનો છે. બીજી બાજુ બોલિંગમાં પણ બંને ટીમ એક-બીજાને કડક ટક્કર આપે એવી છે. બંને ટીમની સરખામણી કરીએ તો કલકત્તા સામે મુંબઈનો હાથ હંમેશા ઉપર રહ્યો છે. આ સીઝનની પ્રથમ મેચમાં હાર મેળવ્યા બાદ મુંબઈ જીત માટે ઈચ્છુક છે. 2014માં કોલકત્તાએ યુએઈમાં રમાયેલી આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં મુંબઈને હરાવીને શરૂઆત કરી હતી. આજે પણ એ જ પરાક્રમ કરીને સીઝનની શરૂઆત કરવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ચેન્નઈ સામેની મેચમાં મુંબઈના રોહિત શર્મા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા કે જસપ્રીત બુમરાહ કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. આજની મેચમાં તેઓ સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરશે. કોલકત્તા તેના ઓલરાઉન્ડર ખેલાડી આન્દ્રે રસેલ પર જ આધારિત નહીં રહે. કારણ કે, તેમની પાસે ઓઈન મોર્ગન, સુનિલ નરૈન, પેટ કમિન્સ, શુભગન ગીલ, નીતિશ રાણા, દિનેશ કાર્તિક જેવા સ્ટાર ખેલાડીઓ છે.
આ પણ વાંચો : IPLમાં વર્ચ્યુઅલ વોઇસથી લોકો વિફર્યા, મીમ્સનો મારો ચલાવી વ્યક્ત કર્યો રોષ
આ બંને ટીમ વચ્ચે અત્યાર સુધી IPLમાં 25 વખત ટક્કર થઈ છે જેમાં 19 મેચ મુંબઈ જીત્યું છે જયારે કોલકત્તાએ માત્ર 6 જ મેચો જીતી છે. તેને જોતા મુંબઈની જીતની ટકાવારી 76 % છે. 2014માં IPLની શરૂઆતની મેચો UAEમાં રમાઈ હતી જેમાં મુંબઈ તેની પાંચે પાંચ મેચ હાર્યું હતું. જ્યારે કલકત્તાએ પહેલી મેચમાં મુંબઈને હરાવીને શાનદાર શરૂઆત કર્યા બાદ બાકીની ચારમાંથી એક જ મેચ જીતી શક્યું હતું. ત્યારબાદ ભારતમાં રમાયેલી મેચમાં જોરદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બન્યું હતું.
