હાલ દુનિયા સહીત ભારતમાં કોરોના નામની સૌથી મોટી આફતે હુમલો કર્યો છે. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં અમ્ફાન નામના વાવાઝોડાએ આતંક મચાવ્યો છે. ત્યારે હવે ગુજરાત પર ‘હિકા’ વાવાઝોડા નામનું સંકટ ઉભું થયું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. ડીપ ડિપ્રેશન દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઇ મુંબઈમાં 2 થી 4 જૂન વચ્ચે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં ‘હિકા’ વાવાઝોડાનું સંકટ
હિકા વાવાઝોડું ચોથી અને પાંચમી જૂનના રોજ રાજ્યના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવો ભય છે. ‘હિકા’ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ઘમરોળીને રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યાં જ વિખેરાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
અગાઉ હિકા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાનું હતું. પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. હવામાન સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ
હિકા વાવાઝોડાના પગલે દ્વારકાના ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશન 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દીધી છે.
રાજ્યના વાતાવરણમાં પલટો
વાવાઝોડા અને અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લીધે રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, દાહોદમાં વાદળછાયું વાતાવરણ આજે સવારથી જોવા મળ્યું હતું, તો બીજી બાજુ રાજ્યના અનેક તાલુકામાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. આવનારા 4 દિવસમાં વાતાવરણમાં પલટો રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : એક વર્ષમાં મોદી સરકારની ઉપ્લબ્ધીઓથી શ્રમિકો સુધી, PM મોદીએ કરી પત્રમાં વાત
