આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે સામાજીક ન્યાય મંત્રાલયે અંગત વપરાશ માટે ઓછી માત્રામાં ડ્રગ્સ રાખવામાં આવે તેને અપરાધની શ્રેણીમાંથી હટાવવા અંગે ભલામણ કરી છે. મંત્રાલયે મહેસૂલ વિભાગને નશીલી દવા અને માદક પદાર્થ (એનડીપીએસ) અધિનિયમની સમીક્ષા સોંપી હતી.
વર્તમાન સમયમાં એનડીપીએસ અધિનિયમ અંતર્ગત રાહત કે છૂટની કોઈ જ જોગવાઈ નથી અને અધિનિયમ અંતર્ગત આરોપી સજા અને જેલમાં જવાથી ત્યારે જ બચી શકે છે જ્યારે તે પોતે પુનર્વાસ કેન્દ્ર જવાની ઈચ્છા દર્શાવે છે. અધિકારીઓના કહેવા પ્રમાણે ગત સપ્તાહે મહેસૂલ વિભાગ સાથે શેર કરવામાં આવેલી ભલામણોમાં મંત્રાલયે અંગત વપરાશ માટેના ઓછી માત્રામાં માદક પદાર્થો મળી આવે તેને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવાનું સૂચન આપ્યું હતું.
મંત્રાલયે ભલામણ કરી હતી કે, અંગત વપરાશ માટે ઓછા પ્રમાણમાં નશીલા પદાર્થો સાથે પકડાય તે વ્યક્તિને જેલનના બદલે સરકારી કેન્દ્રોમાં અનિવાર્ય ઉપચાર માટે મોકલવી જોઈએ. ભારતમાં ડ્રગ્સ રાખવું એ ગુનો છે અને એનડીપીએસ એક્ટની કલમ 27માં કોઈ પણ નશીલી દવા કે સાઈકોટ્રોપિક પદાર્થના સેવન માટે એક વર્ષ સુધીની કેદ અને 20,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.