આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેધમાકેદાર મેચ રમાશે. પોતાની પ્રથમ મેચમાં આ બંને ટીમને નિરાશા હાથ લાગી હતી. જેથી આજની મેચમાં કાંટાની ટક્કર થવાની છે. અત્યારે બંને ટીમનું પલડું સમાન ભારે દેખાઈ રહ્યું છે. હૈદરાબાદની ટીમ પાસે ડેવિડ વોર્નર અને જોની બેરિસ્ટો જેવા દિગ્ગજ ખેલાડી છે. જયારે કોલકત્તા પાસે આન્દ્રે રસેલ, ઓઈન મોર્ગન જેવા ધુંવાધાર બેટસમેનો છે. તેમજ બંને ટિમ પાસે દમદાર બોલરો છે. આ તમામ બાબતોને જોતા આજની મેચ રોમાંચક બનશે એમાં કોઈ શંકા નથી.

અગાઉની મેચમાં હૈદરાબાદનો બેંગ્લોર સામે 10 રને અને કોલકત્તાનો મુંબઈ સામે 49 રને પરાજય થયો હતો. આ મેચમાં બંને ટીમ જીતવા માટે મક્કમ ઈરાદા સાથે મેદાને ઉતરશે. આજે અબુધાબીમાં ચોગ્ગા-છગ્ગાની વરસાદની થવાની આશા ક્રિકેટપ્રેમીઓ રાખી રહ્યા છે. આજે ટી-20ના બે સ્ટાર રસેલ અને નંબર વન બોલર રાશિદ ખાનની રોમાંચક ટક્કર થશે. બેટિંગમાં તો બંને ટીમનું પ્રદર્શન સમાન જેવું જ છે. પરંતુ, બોલિંગમાં હૈદરાબાદ કોલકત્તા કરતા વધારે ચડિયાતી લાગી રહી છે.

હૈદરાબાદની ટીમમાં કોલકત્તાને ટક્કર આપવા માટે ભુવનેશ્વરકુમાર, રાશિદ ખાન, મોહમ્મદ નબી, વિજય શંકર અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓ ચસી છે. જયારે કોલકત્તાની ટીમમાં સુનિલ નરૈન અને શિવમ માવી ફ્રન્ટલાઈન રહેશે. જ્યારે 15.50 કરોડની કિંમતે ખરીદાયેલો પેટ કમીન્સ તેનું અસલી પ્રદર્શન દેખાડવા આતૂર રહેશે. રસેલે મુંબઈ સામે બોલિંગ ફોર્મ બતાવ્યું હતું પરંતુ બેટિંગમાં તે નિષ્ફળ ગયો હતો.
આ પણ વાંચો : IPLમાં વર્ચ્યુઅલ વોઇસથી લોકો વિફર્યા, મીમ્સનો મારો ચલાવી વ્યક્ત કર્યો રોષ
હૈદરાબાદની ટીમમાં એકાદ-બે ફેરફાર જોવા મળી શકે છે. જેમાં, ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલા મિચેલ માર્શની જગ્યાએ કેન વિલિયમસન અથવા મોહમ્મદ નબીનો સમાવેશ થઈ શકે છે. બન્ને ટીમ અત્યાર સુધીમાં 17 વખત ટકરાઈ ચૂકી છે. જેમાંથી, 10 મેચ કોલકત્તા અને 7 મેચ હૈદરાબાદે જીતી છે. ગત વર્ષે બન્ને ટીમ વચ્ચેની ટક્કરમાં પહેલી મેચ કોલકત્તાએ અને બીજી મેચ હૈદરાબાદે પોતાના નામે કરી હતી. ગત સીઝનમાં આ બંને ટીમે પ્લેઓફની રેસમાં પણ દમદાર ટક્કર આપી હતી.
