ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર ખાડે ગયું છે. સરકારી શાળાઓમાં તો શિક્ષણનું સ્તર શર્મનાક છે ત્યારે ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતી પણ ખરાબ છે અને એમાં પણ આદિવાસી વિસ્તારની હાલત તો બદતર છે. ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ૬,૩૯૧ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, માધ્યમિક શાળાઓમાં ૨,૩૭૧ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૪,૦૨૦ શિક્ષકોની ઘટ છે.
ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અંગ્રેજીના ૪૯૪ અને ગણિત-વિજ્ઞાનના ૮૮૪ શિક્ષકો ઓેછાં છે. ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજીના ૭૨૩, ગણિતનાં ૧૦૬ તેમજ બાયોલોજીના ૧૬૭, ફિઝિક્સના ૧૭૮ તથા કેમેસ્ટ્રીના ૧૭૯ મળીને વિજ્ઞાન વિષયોના કુલ ૫૨૪ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
ગ્રાન્ટેડ શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા મુખ્ય વિષયના શિક્ષકો ન હોવાથી અનેક પ્રશ્રાો ઊભા થઇ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં આચાર્ય નિવૃત થયા બાદ નવા આચાર્ય મળ્યા નથી. શિક્ષકો અને આચાર્ય ન હોવાને કારણે વર્ગો ઘટવા માંડયા છે. છેલ્લા સાત-આઠ વર્ષથી શિક્ષકો, આચાર્ય ન મળતા ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાની હાલતમાં આવી ગઇ છે.
