તાજેતરમાં જીએસટી કાઉન્સિલે ફ્રૂટ જ્યુસ જેમાં કાર્બોરેટેડ ફ્રૂટ જ્યુસનો સમાવેશ થયો હોય તેવા જ્યુસ પર 28 ટકા જીએસટી અને 12 ટકા સેસ એમ 40 ટકા ટેકસ લાગે તેવી સ્પષ્ટતા કરતા ગુજરાતના આશરે 4500 ઉત્પાદકો મુશ્કેલીમાં આવી ગયા છે. નાના ગામોમાં પણ નાના મોટા પાન પાર્લર, ખુમચાઓ, હોટેલો અને રેસ્ટોરન્ટ આ ઠંડા પીણાં વેચતા હોય છે. આમ આવા પીણાંને કોકાકોલા સાથે સરખાવી બધાને સમાન દરે જીએસટી લગાવાતા ઉત્પાદકો મુશ્કેલીમા મુકાયા છે. સામાન્ય નિયમ પ્રમાણે જો કોઇ પીણાંમાં 10 ટકાથી વધુ ફ્રૂટનો રસ હોય તેવા પીણાંને ફ્રૂટ જ્યૂસ ગણવામાં આવે છે.

આમ FSSAIના નિયમ પ્રમાણે ફ્રૂટ જ્યુસ અને અન્ય ફ્રૂટ જ્યુસનું વર્ગીકરણ કરાયું છે. આમ જીએસટીમાં આવું કોઇ વર્ગીકરણ ન હોવાથી અત્યાર સુધી ઉત્પાદકો બિનઆલ્કોહોલિક વર્ગીકરણ કરી 12 ટકા જીએસટી ભરી રહ્યાં છે. પરંતુ આની સ્પષ્ટતા ન હોવાથી આ પીણાંને ડિપાર્ટમેન્ટે કાર્બોનેટેડ પીણાં તરીકે વર્ગીકરણ કરી સ્પષ્ટતા કરી છે કે, 28 ટકા જીએસટી અને 12 ટકા સેસ લાગુ પડશે. આમ સીધો 12 ટકાની જગાએ 40 ટકા ટેક્સ લાગુ થતા પડતર અને કિંમતમાં વધારો થશે. જેથી તેના વેચાણ અને સામાન્ય નાગરિકોને તેના પર મોટો બોજો આવશે. જીએસટી ડિપાર્ટમેન્ટે ડિટેઇલમાં અભ્યાસ કર્યા વગર આ નિર્ણય લેતા તેમજ ફસાઇના વર્ગીકરણને ધ્યાનમાં ન લેવાતા ગુજરાતના નાના ગામોમાં ચાલતા ઉદ્યોગો ઉપર મોટો બોજો આવી પડશે.
આઈસક્રીમ પર હવે 5ને બદલે 18 ટકા GST લાગુ પડશે
તાજેતરમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ની 45મી કાઉન્સિલ મીટિંગમાં આઇસક્રીમ પર 18 ટકા જીએસટી લાગતા હવે આઇસક્રીમ મોંઘો થશે. જીએસટી કાઉન્સિલની મીટિંગમાં સ્પષ્ટતા કરી છે કે, આઇસક્રીમ પર 18 ટકા જીએસટી લાગુ પડશે. આ અગાઉ નાના પાર્લરો કમ્પોઝિટ ટેક્સ પેયર તરીકે રજીસ્ટર હતા અને 5 ટકા ટેક્સ ભરતા હતા. આ કાઉન્સિલ બેઠકમાં આઇસક્રીમ પર 18 ટકા લાગે તેવી સ્પષ્ટતા કરતાં, 18 ટકાનો દર 1 જુલાઇ 2017થી લાગુ થાય છે. આમ જો કાઉન્સિલ દ્વારા જરૂરી સ્પષ્ટતા નહીં કરાય તો જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા આઇસક્રીમ પાર્લરો પર તા.1 જુલાઇ 2017થી તફાવતના ટેકસની ડિમાન્ડ કાઢીને તેના પર વ્યાજ અને દંડની કાર્યવાહી કરાશે.