અમદાવાદ બાદ સુરત પાલિકા વિવિધ કચેરી-ઓફિસો તથા સિટીબસ-બીઆરટીએસ સાથે હોટલ રેસ્ટોરન્ટમાં રસી ન મુકાવનારને પ્રવેશ પર પ્રતિબંધ મુકવા તૈયારી કરી છે. કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, 3 મહિનાના સર્વેમાં વેક્સીન મુકાવનાર સંક્રમિત થયા બાદ તેને હોસ્પિટલમાં જવાની જરૂર પડતી નથી. હોમ ક્વોરન્ટાઇનમાં જ સ્વસ્થ થઇ જાય છે. જ્યારે રસી ન મુકાવનાર હાઇરીસ્ક કેટેગરીમાં આવે છે. તેમને કોરોના થાય તો હાલત ગંભીર બની શકે છે.
જેથી આ સિસ્ટમ લાગુ કરાશે. આગામી દિવસોમાં હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકો સાથે બેઠક કરાશે. કોરોના સર્ટિફિકેટની તપાસ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. દરેક વ્યકતિએ પોતાની પાસે મોબાઇલમાં ઇ-કોપી અથવા ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટીફિકેટ બતાવવાનું રહેશે. ઉપરાંત લોકોના વેકસીન સર્ટી ચેક કરવા માટે એપ બનાવાઇ છે, જેના માધ્યમથી આવા લોકોના સર્ટી અસલી છે કે નહી તે પણ કયુઆરકોડના માધ્યમથી ચેક કરાશે.
શહેરમાં 32.73 લાખ લોકોને પ્રથમ ડોઝ સાથે 95.36 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે 14,62,662ને બીજો ડોઝ અપાઇ ગયો છે. આ સાથે સેકન્ડ ડોઝની કામગીરી 44.68 ટકા પૂર્ણ થઇ છે. શુક્રવારે શહેરમાં 32155 લોકોને રસી અપાઈ હતી. શનિવારે કામગીરી રાબેતા રહેશે. પાલિકાની વેબસાઇટ પરથી ઓનલાઇન માહિતી મેળવી શકાશે.