રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનીયરીંગના અભ્યાસ માટે યુક્રેનમાં છે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે યુક્રેનમાં અંદાજિત 2500 થી 3000 વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાની વિગતો સામે આવી છે.
આ સાથે જ લોકોની ચિંતા અંગે જણાવ્યું કે રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને સુરક્ષિત સ્થળે રાખવાની પ્રાથમિકતા છે અને ત્યારબાદ તેઓના સ્થળાંતર અંગેની કાર્યવાહી હાથ ધરાશે.

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્રારા ગુજરાતના વિદ્યાર્થીઓ અને નાગરિકોને માહિતી મળી રહે તે માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. રાજ્ય સરકાર દ્રારા 07923351900 નંબર જાહેર કર્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્રારા યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે સરકાર દ્વારા માહિતી આપવામાં આવશે.
આ અંગે જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભારતના નાગરિકોની સલામતી માટે ચિંતિત છે. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનોને ધીરજ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે અને ટૂંક સમયમાં આ અંગે નિરાકરણ લાવશે તેવો દાવો કર્યો હતો.