ગુરુવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે શહેરની સોસાયટીઓ તથા એપાર્ટમેન્ટોના રહીશો આયોજનોને આખરી ઓપ આપી રહ્યા છે. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી અને આ વર્ષે પ્રોફેશનલ નવરાત્રિના આયોજનની મંજૂરી ન હોવાથી ઘર આંગણે પરિવાર સાથે શેરી-ગરબાના આયોજનથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અલગ અલગ સોસાયટીના પ્રમુખોએ જણાવ્યું કે, શહેરની મોટા ભાગની સોસાયટીઓએ આ વર્ષે બહારની વ્યક્તિઓને ગરબા રમવા માટે ‘નો એન્ટ્રી’ રાખી છે, જ્યારે અમુક સોસાયટીઓ 9 દિવસની જગ્યાએ માત્ર 1-2 દિવસ જ ગરબા રમશે. વેક્સિન લીધુ હોવાનું સર્ટિફિકેટ હશે તેમને જ સોસાયટીઓમાં ગરબા રમવા માટેની પરવાનગી આપવામાં આવશે. સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરાઈ છે.

કોરોનાને કારણે આ વખતે સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. જેથી ખેલૈયાઓ ખુશ છે, સાથે આ વખતે નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યાથી કફ્યુનો અમલ કરાશે. જેથી ગરબા રમી રાત્રિના 12 પહેલા ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહેશે. 12 વાગ્યા પછી કફ્યુમાં નીકળશો તો પોલીસ કાર્યવાહી કરશે. કોરોનાના કેસો ઓછા થયા હોય પરંતુ સાવચેતીના પગલાંના ભાગે સરકારે નવરાત્રીના કોમર્શિયલ અને ખાનગી આયોજનો પર પ્રતિબંધ મૂક્યો છે.
શેરી-ગરબા માટે સ્થાનિક પોલીસે તમામ સોસાયટીનાં પ્રમુખો જોડે મિટીંગ કરી રાત્રિના 12 પહેલાં ગરબાનું આયોજન પુર્ણ કરવાનું રહેશે લારી-ગલ્લા પણ બંધ કરાશે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે, નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યાથી કફ્યુ લાગશે, રાત્રે 12 વાગ્યા પછી રોડ પર ફરનાર સામે કાર્યવાહી કરાશે.