ગણતરીના કલાકોમાં નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર કોરોના મામલે તમામ બાબતોની કાળજી રાખી રહ્યું છે અને સતર્કતાથી પગલાં ભરી રહ્યું છે. ગુજરાત સરકારે પણ નવરાત્રીમાં ગરબે ઘુમવા માટે કેટલીક ગાઈડલાઈન જાહેર કરી છે. એવામાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન માત્ર રાજ્યમાં કોમર્શિયલ ગરબાને મંજૂરી નથી આપવામાં આવી. શેરી ગરબામાં માત્ર 400ની મર્યાદામાં ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે. આટલું જ નહીં, પવિત્ર યાત્રાધામોમાં માત્ર એક દિવસ જ ગરબા થશે. જ્યારે ગરબા રમવા માટે કોરોના રસીકરણ જરૂરી થઈ ગયું છે.

રાજ્ય સરકારે ભલે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સોસાયટીમાં આયોજીત ગરબામાં 400 લોકોની મંજૂરી આપી હોય, પરંતુ ગત શનિવારે ગૃહ વિભાગ દ્વારા તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે અનુસાર ગરબા, દુર્ગા પૂજા, શરદ પૂનમ અને દશેરા જેવા તહેવારો મનાવતા પહેલા વૅક્સિનના બંન્ને ડોઝ લેવા જરૂરી કરી દેવામાં આવ્યા છે.
તેમજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ગરબા રમવા માટે ખાસ કરીને ખેલૈયાઓએ કોરોના વિરોધી રસીના બન્ને ડોઝ લેવા ફરજિયાત હશે. આ સાથે જ તમામ જાહેર સ્થળો પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું સખ્તીથી પાલન કરવાનું રહેશે. આ માટે પોલીસ કમિશનર, કલેક્ટર અને એસપીને પણ જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે. હાલ સરકાર કોરોના મહામારીને લઈને કોઈ જોખમ લેવા નથી માંગતી. આજ કારણ છે કે, પાર્ટી પ્લોટ, કલ્બ અને ખુલ્લી જગ્યાઓ પર ગરબાના આયોજન પર રોક લગાવી દેવામાં આવી છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સોસાયટીઓમાં ગરબા હોય ત્યાં જે લોકોએ વેક્સીન લીધી હોય તે લોકો જ ગરબા લેવા આવે. જે લોકોને વેક્સીન લેવાનું બાકીં હોય તે આ નિયમથી પ્રેરણા લઇને વેક્સીન લે તેવો એક પ્રયાસ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે એવા પણ મહાનગરો છે કે જ્યાં 100% પહેલો વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે અને બીજા ડોઝનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતના લોકો ખૂબ હોશિયાર છે. ત્યારે પોલીસને કોઈ પણ પ્રકારની અગવડ નહીં પડે. પોલીસ કોઈ પણ નિયમ અનુસાર ગરબા રમતા હશે ત્યાં અગવડ નહીં પાડે તેવી પણ હું ખાતરી આપું છું. આ લડાઈ હજુ પૂર્ણ થઇ નથી. આ લડાઈ હજુ મજબૂતાઈથી લડવાની છે.