એક ખૂબ ધાર્મિક વેપારી હતો. ખૂબ દયાભાવ અને દાનવૃત્તિવાળો ભલો વ્યક્તિ હતો. તેનો વેપાર ધમધોકાર ચાલતો હતો. ગાડી-બંગલા, નોકરચાકર બધી રીતે સુખી અને સમૃદ્ધ હતો. આ વેપારીને રોજ રાતે એક સપનું આવતું. સપનામાં વેપારી અને ભગવાન બે સાથે હાથ પકડીને દરિયા કિનારાની રેતીમાં ચાલતા હતા. વેપારીને પાછળ નીચે નજર નાખતા રેતી પર બે જણાના પગલાની જોડ કાયમ દેખાતી. એક પગલા એના અને બીજા ભગવાનના. રોજ આવું સપનું વેપારી જોતો અને ખુશ રહેતોકે પ્રભુ મારી સાથે છે.
એવામાં અચાનક વેપારીને ધંધામાં ખોટ ગઈ, દેવાદાર થઈ ગયો. નોકર-ચાકર, સગા-સંબંધી બધા એને છોડીને જતા રહ્યા. સાવ એકલો પડી ગયો, તે રાતે તેને ફરીથી પેલુ સપનું આવ્યું. સપનામાં વેપારીએ દરિયા કિનારાની રેતી પર ચાલતા ચાલતા પાછળ જોયું તો પાછળ એક જ પગલાંની જોડ, બીજા પગલાંની જોડ ગાયબ હતી ત્યારે વેપારીને પહેલા ખુબ દુઃખ થયું અને પછી ભગવાન પર ગુસ્સો કરતા ફરિયાદ કરી કે હે પ્રભુ હું સુખમાં હતો ત્યારે બધા મારી સાથે હતા પરંતુ મારા પર દુઃખ આવી પડ્યું તો મારા મિત્રો, સગા-વ્હાલા બધા મને છોડીને જતા રહ્યા, તેઓ તો માનવી હતા એટલે છોડીને જતા રહ્યા પરંતુ ભગવાન થઈને તું પણ આવા સામાન્ય માનવીની જેમ મને છોડીને જતો રહ્યો. તો તારામાં અને આ બધામાં શું ફરક?
ત્યારે ભગવાને હસીને કહ્યું કે, હે ભક્ત તું જ્યારે સુખમાં હતો ત્યારે હું તારી સાથે લગોલગ ચાલતો હતો પરંતુ દુઃખમાં પડ્યો છે એટલે તો મેં તને આખે આખો ઉપાડીને મારા ખોળામાં લઈ લીધો છે અને પાછળ જે એક પગલાંની જોડ તે જોઈ, તે મારી છે તારી નથી.
આ પણ વાંચો: ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’ ની વાર્તામાં આખરે કોને લટકાવ્યા ફાંસી પર ?
ત્યારે પહેલા વેપારીને ખૂબ પસ્તાવો થયો અને પ્રભુ પાસે માફી માંગી, ફરી મહેનત કરી અને પહેલાં કરતાં પણ વધુ સમૃદ્ધ અને સુખી બન્યો. મિત્રો વાર્તાનો સાર એ છે કે જ્યારે દુઃખમાં પડીએ ત્યારે બધાની કસોટી થાય, સુખમાં તો બધા સાથે હોય, દુખમાં સાથે હોય તે સાચો સગો. જ્યારે માનવી ખૂબ દુઃખી હોય ત્યારે પ્રભુ તેની ખૂબ નજીક હોય છે. ફક્ત અનુભવ કરતા આવડવું જોઈએ.
“જીસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હૈ યારોં” અને આપણા ભગવાન પર અટલ શ્રદ્ધા રાખવી જોઈએ કારણકે જ્યારે બધા છોડીને જાય છે અને આપણે એકલા પડી જઈએ છીએ ત્યારે ભગવાનની આપણા પ્રત્યેની જવાબદારી વધી જાય છે અને તેથી જ ભગવાન આપણને સંપૂર્ણપણે મદદરૂપ થતા હોય છે. સમાજમાં, ધંધામાં એવા કેટલાય કિસ્સા હશે જેમાં નિષ્ફળ અને દુઃખી થયેલા લોકો પ્રભુ પર શ્રદ્ધા રાખીને, પ્રચંડ પુરુષાર્થ કરીને ફરીથી સુખી, સમૃદ્ધ અને સફળ થતા હોય છે. આમ આપણે પણ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા કેળવવી જોઈએ.
“હંસા નારી પ્રીત શાની? વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની, જળ ભેગી સુકાય!
કેટલીક આસપાસની વાતો ડૉ નિલ દેસાઈની નવીન કલમે
