મહા વાવાઝોડું હવે સીવીયર સાયકલોન બની રહ્યું છે. સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી અચાનક હવામાન પલટા સાથે ધીમીધારે વરસાદ શરુ થયો છે. ઠંડો પવન અને કાળા વાદળો સાથે શરુ થયેલા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકો ચીકુ અને કેરી પાકને મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા દેખાઈ રહી છે, બીજી બાજુ ‘મહા’ વાવાઝોડાની અસર દરિયા કિનારે વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે હવે આગાહી કરી છે કે, તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં ગુજરાત દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે હાલ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાનું વ્યાપક અસર જોવા મળી રહી છે. 6 તારીખે સવારે પવનની ગતિ 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ 7 તારીખે 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 7 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ની આગાહી પણ કરવામાં આવી છે.

હાલ મહા વાવાઝોડુ વેરાવળથી લગભગ 500 કિલોમીટર દૂર છે. 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં ઉત્તર પશ્વિમ તરફ આગળ મહા વાવાઝોડું વધશે. રાજ્યના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ પડવાનો બંધ નથી થઈ રહ્યો. શુક્રવારે અનેક પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. બનાસકાંઠાના થરાદ પંથકમાં માવઠું થયું. તો દેવભૂમિ દ્વારકાના હડમતિયા ગામે પણ માવઠુ થયું. નવસારીના વાંસદા પંથકમાં, વલસાડ શહેરમાં કમોસમી વરસાદ પડ્યો. રાજ્યમાં લીલા દુષ્કાળ પછી પણ વરસાદ બંધ ન થતાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવા પામ્યો છે. ખેડૂતોના પાક માટે સરકાર ટોલ ફ્રી નંબર જેવા અનેક પગલા ભરી રહી છે. પણ કોઈ ખાસ લાભ હજુ સુધી ખેડૂતોને નથી થયો. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના મુંબઈમાં પણ માવઠુ થયું.
ગીર સોમનાથનાં ઉના તેમજ કોડીનારમાં ભારે વરસાદ નોંધાયો છે. કોડીનારમાં 30 મિનિટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થતા લોકો આ કમોસમી વરસાદથી ગભરાયા હતા. અચાનક ભારે પવન અને વરસાદ શરૂ થતા લોકો વરસાદથી બચવા દોડ્યા હતા. બીજી તરફ, કોડીનારમાં ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. આશરે 8 હજાર ગુણી મગફળી હરાજી માટે આવી હતી તે ભારે વરસાદનાં કારણે પલળતા ખેડૂતોને ફટકો પડ્યો છે.
અમરેલીના રાજુલા-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. સરોવડા, કડીયાળી, બલાણામાં વરસાદ નોંધાયો છે. તો જાફરાબાદ બંદર પર શિયાળબેટ, પીપાવાવ પોર્ટ સહિત વિસ્તારમા દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા.

મહા વાવાઝોડાને કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. છેલ્લા 12 કલાકમાં વલસાડ જિલ્લાના 6 માંથી 5 તાલુકાઓમાં રાત આખી વરસાદ પડ્યો છે. આશરે તમામ તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માત્ર કપરાડામાં વરસાદ નહિવત વરસાદ હતો.
વલસાડ – 1 ઈંચ
ઉમરગામ – 0.78 ઈંચ
ધરમપુર – 1.18 ઈંચ
પારડી – 1.14 ઈંચ
વાપી – 0.90 ઈંચ
સુરત શહેર જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા લોકોને વરસાદ સાથે ઠંડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. જોકે, સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઇ દક્ષિણ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં કેટલાક પાકોને નુકસાન થયું છે. આગામી દિવસોમાં સુરત સહીત તાપી, નવસારી, આહવા, ડાંગ સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વર્ષે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, 6 અને 7 નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઈ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો