સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કામ ઝડપથી આગળ ચાલી રહ્યું છે. જેની સાથે સુરત ડાયમંડ એસોસિએશનમાં નવા 2500 સભ્યોનો પણ ઉમેરો થયો છે. ખજોદ ડાયમંડ બુર્સનું હવે ટૂંક સમયમાં ઉદ્દઘાટન થવાની તૈયારીમાં છે ત્યારે નિર્માણની જાહેરાત સાથે જ સુરત ડાયમંડ એસોસિએશના સભ્યોની સંખ્યા વધવા માંડી છે.
જો સુરત ડાયમંડ એસોસિએશનનો ઈતિહાસ જોવામાં આવે તો જ્યારે 1988માં સ્થાપના થઈ ત્યારે માત્રે 1 સભ્ય હતા. ત્યાર બાદ 2016 સુધીમાં આ સંખ્યા 2832 થઈ હતી. આ ઉપરાંત બુર્સની જાહેરાત થતા જ 5થી 15 માર્ચ 2016 સુધીના માત્ર 10 દિવસમાં જ એસોસિએશનની સભ્ય સંખ્યા 2832થી વધીને 4282 થઈ ગઈ હતી. ત્યાર બાદ અત્યાર સુધીમાં સભ્યોની સંખ્યા 5336 છે.

મુંબઈ સહિતના શહેરોના વેપારીઓ સુરત આવી જશે તેના અંગે સુરત ડાયમંડ એસોસિએશના મંત્રી દામજી માવાણી કહે છે કે,ડાયમંડ બુર્સનું નિર્માણ થવાથી મુંબઈ સહિતના હીરા વેપારીઓ સુરતમાં આવશે. આવા વેપારીઓએ ડાયમંડ એસોસિએશનની મેમ્બરશિપ પણ લઈ લીધી છે.
હાલમાં મુંબઈ, ભાવનગર સહિતના શહેરોનાં વેપારીઓએ મેમ્બરશિપ લીધી છે. સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થવાની સાથે જ સુરત બહારના વેપારીઓએ સુરત ડાયમંડ એસોસિએશનની મેમ્બરશિપ લેવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે ડાયમંડ બુર્સનું ખાતમૂર્હત થયું તેના 20 દિવસમાં જ 1200 હીરા વેપારીઓએ એસોસિએશનની મેમ્બરશિપ લઈ લીધી હતી.