બોલીવુડની ફિલ્મોમાં ઘણી વખત ડાયલોગ સાંભળવામાં આવે છે, કાનૂન કે હાથ લંબે હોતે હૈ, સુરત પોલીસે આ જ વાત ને સાર્થક કરીને છેલ્લા લાંબા સમયથી નાશતા ફરતા કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે.

આ આરોપી જેને શોધવા માટે પોલીસ ઘણા સમયથી મહેનત કરી રહી હતી તે બીજે ક્યાંયથી નહિ પણ તેના જ ઘરમાં બનાવવામાં આવેલા ગુપ્ત રૂમ માંથી મળી આવ્યો હતો. પોલીસે કડીયા પાસે બારી અને દરવાજો ખોલાવી ને અંદર થી સજ્જુ કોઠારીને બહાર કાઢ્યો હતો.પોલીસે આ જ ઘરમાં બીજા ઓરડામાં રૂમની બહારથી તાળું મારીને અંદર રહેલા ગુજસીટોક ના આરોપી સમીર શેખ ને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

આ સ્પેશ્યલ ઓપરેશનમાં એસીપી સહિતના ૫૦ જવાનોની ટીમ કામે લાગી હતી. અને સાડા ત્રણ કલાકની જહેમત બાદ પોલીસને સફળતા હાથ લાગી હતી. પાંચ માળની બિલ્ડીંગમાં પોલીસે ૧૦ વખત તપાસ હાથ ધરી હતી અને આખરે સજ્જુ રૂમમાં શોકેસની પાછળ બનાવેલા ગુપ્ત રૂમમાં મળી આવ્યો હતો.

સજ્જુ કોઠારી 35 ગુનાઓનો આરોપી
કોઈને ગંધ શુદ્ધા ન આવે તે રીતે આ ગુપ્ત રૂમ બનાવવામાં આવ્યો હતો.પણ પોલીસને મળેલી ખાસ બાતમીના આધારે સજ્જુ સુધી પહોંચી શકાયું હતું.આરોપી સજ્જુ એક બે નહિ પણ ૩૫ ગુનાઓનો આરોપી છે.જેમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ,મની લોન્ડરિંગ એક્ટ,પોલીસ પર હુમલો,ખંડણી,ગુજસીટોક વગેરે નો સમાવેશ થાય છે.સજ્જુ એટલો કુખ્યાત આરોપી છે કે આ પહેલા તે પોલીસને અનેક વાર ચકમો આપીને ફરાર થઇ ચુક્યો છે.પહેલીવાર તે સુરતમાંથી અને તે બાદ નાગપુર અને મુંબઈમાંથી પકડાઈ ચુક્યો છે.

ફિલ્મી ઢબે પકડવામાં આવ્યો
પોલીસ તેને શોધવા સુરત ખાતેના તેના નિવાસસ્થાને પહોંચી હતી.પાક્કી બાતમીના આધારે શોધખોળ પણ શરૂ કરી હતી.પણ સજ્જુ મળ્યો ન હતો.આખરે એક શોકેસની બાજુમાં લાકડાના દરવાજા જેવું હતું,તેને થપથપાવ્યો હતો,જેમાંથી બોદો અવાજ આવતા પોલીસને વધારે શંકા ગઇ હતી.જેથી કડીયાને બોલાવીને દરવાજો ખોલાવતા અંદરથી સજ્જુ મળી આવ્યો હતો.