સુરતઃશનિવારઃ- નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશભાઈ મોદીની દુરંદેશિતાના ભાગરૂપે નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટેના હેતુથી રાજ્ય સરકારના ગુજસેલ અને સુરતની એરલાઈન વેન્ચુરા એરકનેક્ટ દ્વારા રોજિંદી હવાઈ સેવા ગત 1 જાન્યુઆરી, 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ સેવા સુરતથી અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગર માટે અવિરત શરૂ છે.

બે મહિનાના ટુંકા સમયગાળા દરમિયાન વેન્ચુરા એરકનેક્ટના વિમાનોમાં 4000 થી વધુ નાગરિકોએ લાભ લીધો છે. હવાઈ સફર કરનારા લોકોના જણાવ્યા અનુસાર વેન્ચુરાના વિમાનોમાં વિશાળ વિમાનોની સરખામણીએ અલગ અનુભવ થાય છે. લોકો પોતાની સાથે પાઈલોટને વિમાન ચલાવતા જોઈ એક વિશિષ્ટ પ્રકારનો આનંદ અનુભવતા હોવાનું જણાવી રહ્યા છે. આ વિમાનોમાં દરેક મુસાફરને વિન્ડોસીટ માટે કોઈ વધારાના પૈસા ચુકવવા પડતા નથી, જેથી લોકો ઘણા સંતુષ્ટ જોવા મળે છે. આ વિમાન સેવા માટે માર્ચથી દરેક શહેરો માટે રૂ.2222/- રૂપિયાનો પ્રતિ વ્યક્તિ ચાર્જ રાખવામાં આવ્યો છે.
વેન્ચુરાના વિમાનમાં વૃદ્ધો, બાળકો, અને વિમાનમાં ક્યારેય મુસાફરી નથી કરી તેવા સામાન્ય વર્ગના યુવાનોએ નજીવા દરે હવાઈ મુસાફરીનો આનંદ લીધો છે. રાજ્યની જનતા દ્વારા આ 9 સીટવાળા વિમાનોમાં મુસાફરી માટેના ધસારાને ધ્યાને લેતા ઉડ્ડયન મંત્રી પુર્ણેશભાઈ મોદીએ સુરત-અમદાવાદ માટે દૈનિક 2 ફ્લાઈટ ચલાવવાનો નિર્ણય લીધો છે, અને અન્ય શહેરો માટે વિમાન સેવામાં વધારાનો નિર્ણય હાલ વિચારાધિન હોવાનું વેન્ચુરાના એકાઉન્ટેબલ મેનેજર અને ડિરેકટર કેપ્ટન ઈશ્વરભાઈ ધોળકીયા દ્વારા જણાવાયું છે.