યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલી સિવિલ સર્વિસીઝની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 761 જેટલા વિધાર્થીઓ નિમણુંક પામ્યા છે. ગૌરવની વાત એ છે કે સુરત શહેરના કાર્તિક જીવાણીએ આ પરીક્ષામાં AIR 8 સાથે અદભુત સફળતા મેળવી છે. કાર્તિકે પોતાની અથાગ મહેનત દ્વારા મેળવેલી સિદ્ધિથી ફરી એકવાર શહેરનું ગૌરવ વધાર્યું છે.

UPSC દ્વારા સિવિલ સર્વિસીઝની મુખ્ય પરીક્ષાનું હાલમાં જ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં IAS, IFS, IPS, કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A અને ગ્રુપ B ના ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. UPSC દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સુરત શહેરના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 8 મો રેન્ક સાથે અદભુત સિદ્ધિ મેળવી તેમજ ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે.
કાર્તિક જીવાણીએ 2017માં પણ UPSC ની પરીક્ષા આપી હતી. મનમાં ઉચાટ અને ઉત્તેજના સાથે 2017ના વર્ષમાં સખત મહેનત બાદ તેઓ નિષ્ફળ રહ્યા હતાં. ત્યાબાદ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019 માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 84 મો ક્રમ મેળવ્યો હતો. જેથી IAS ની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું. જેથી તેઓ IPS ની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતા-લેતા ફરી IAS બનવાના સ્વપ્નને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી છે.
કાર્તિકના પિતા ડો. નાગજીભાઈ જીવાણી શહેરના વરાછા વિસ્તારમાં લેબોરેટરી ચલાવે છે. કાર્તિકે સુરતની જ પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 માં ધોરણ સુધી અભ્યાસ મેળવ્યા બાદ IIT મુંબઈથી મિકેનિકલમાં બીટેકની પદવી પ્રાપ્ત કરી છે. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.
સુરતનો પ્રથમ IAS બનશે
જાહેર થયેલા UPSCના પરિણામોમાં સુરતનો કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 8મો ક્રમ અને ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેની ઈચ્છા મુજબ જો તેને IAS કેડર મળશે તો તે સુરતનો પ્રથમ IAS અધિકારી બનશે. કાર્તિક સુરતની જ પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈની IITમાંથી મિકેનિકલમાં બીટેક થયો છે.કાર્તિકે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.