ન્યૂયોર્ક: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચનો ઉપયોગ ભારત વિરૂદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવામાં કર્યો હતો પણ તેનો આ દાંવ ઉંધો પડી ગયો હતો. સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ફરી કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાનને ભારતે રાઇટ ટૂ રિપ્લાય હેઠળ જડબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર મંચનો પાકિસ્તાને હંમેશા ખોટો ઉપયોગ કર્યો છે. ઓસામા બિન લાદેનનું નામ લઇને ભારતે વિશ્વ સામે પાકિસ્તાનની પોલ ખોલી નાખી હતી કે કેવી રીતે આતંકનો આકા આતંકવાદનું સમર્થન કરતો રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે આજે સવારે ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને વર્ચુઅલી સંબોધિત કર્યુ હતુ અને કાશ્મીરનો ઉલ્લેખ કરીને કહ્યુ કે પાક શાંતિ ઇચ્છે છે અને કાશ્મીર વિવાદનું સમાધાનથી જ દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત થશે.
રાઇટ ટૂ રિપ્લાય હેઠળ ભારત તરફથી ઇમરાન ખાનના ભાષણ પર જવાબ આપતા ભારતના ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ કહ્યુ કે અફસોસની વાત આ છે કે આ પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાનના નેતા મારા દેશ વિરૂદ્ધ ખોટા અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલા મંચનો દુરઉપયોગ કર્યો છે. તે વિશ્વનું ધ્યાન પોતાના દેશની તે સ્થિતિથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યા આતંકવાદી ફ્રી પાસનો આનંદ ઉઠાવે છે. જ્યારે સામાન્ય લોકો, વિશેષ રીતે લઘુમતી સમુદાયના લોકોનું જીવન ત્યા ઉંધુ થઇ જાય છે, તેમના ઉપર અત્યાચાર થાય છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સંબોધનના રાઇટ ટૂ રિપ્લાયમાં ભારતે કહ્યુ કે પાકિસ્તાન ખુલ્લી રીતે આતંકવાદીઓનું સમર્થન કરવા અને તેમણે હથિયાર આપવા માટે વિશ્વ સ્તર પર જાણીતુ છે. ભારતે આગળ કહ્યુ કે પાકિસ્તાન પાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓની સૌથી મોટી સંખ્યાની યજમાની કરવાનો અપમાનજનક રેકોર્ડ છે. ભારતની ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ આગળ કહ્યુ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને સંપૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ હતા, છે અને રહેશે. જેમાં તે પણ ક્ષેત્ર સામેલ છે જે પાકિસ્તાનના કબજામાં છે. અમે પાકિસ્તાનને તે ગેરકાયદેસર કબજા વાળા તમામ ક્ષેત્રને તુરંત ખાલી કરવા માટે કહીએ છીએ.