એક તરફ લોકોની ખરીદ શક્તિ ઘટી રહી છે ત્યારે હવે દેશમાં મોંઘવારી પણ ઝડપથી આગળ વધી રહી છે. દેશમાં જાન્યુઆરી મહિનામાં જથ્થાબંધ ચીજોનો ફુગાવો (WPI) 12.96 ટકા હતો તે ફેબ્રુઆરીમાં વધી 13.11 થયો હોવાનું સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. આ મહિનામાં ઇંધણના ભાવ ગત વર્ષ કરતા 31.50 ટકા વધ્યા હોવથી ફુગાવો ઉંચો આવ્યો હતો.
જથ્થાબંધ ભાવ આધારિત આ મોંઘવારી છેલ્લા 11 મહિનાથી સતત બે આંકમાં વધી રહી છે. ગત ફેબ્રુઆરીઅમ ફુગાવો 4.83 ટકા હતો. ખાધચીજોમાં ફેબ્રુઆરી મહિનામાં ભાવ વૃદ્ધિ 8.19 ટકા રહી હતી જે ગત મહિને 10.33 ટકા હતી. શકભાજીના ભાવો 26.93 ટકા વધ્યા હતા જે ગત મહીને 38.45 ટકા વધ્યા હતા.
સૌથી મહત્વની વાત છે કે દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ અને ડિઝલના ભાવ સ્થિર છે. ચુંટણીના કારણે ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જયારે આ ભાવમાં ફેરફાર થશે, તેમાં વૃદ્ધિ થશે ત્યારે મોંઘવારી હજુ વધી શકે છે. કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે આ મહીને મોંઘવારી ઉંચી રહેવાનું કારણે મહદઅંશે પેટ્રોલીયમ પેદાશોના ભાવમાં વૃદ્ધિના કારણે જોવા મળ્યું છે.

આ તરફ દેશની સૌથી મોટી ખાદ્ય ઉત્પાદનની સાથે જોડાયેલી હિન્દુસ્તાન યૂનીલિવર (HUL) અને નેસ્લેએ ચા, કોફી અને દૂઘની કિંમતો 14 માર્ચથી વધારી દીધી છે. હિન્દુસ્તાન યૂનીલિવરે કહ્યું કે કંપની ખર્ચ વધવાને કારણે આ વસ્તુઓની કિંમતો વધારવામાં આવી છે. બીજી તરફ નેસ્લે ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું કે, તેમણે મેગીની કિંમતો 9થી 16% સુધી વધારી છે. નેસ્લે ઈન્ડિયાએ મિલ્ક અને કોફી પાઉડરની કિંમતો વધારી દીધી છે. કિંમતો વધાર્યા બાદ હવે 70 ગ્રામ મેગીના એક પેકેટ માટે 12 રુપિયાની જગ્યાએ 14 રુપિયા ચૂકવવા પડશે. જ્યારે મેગીના 560 ગ્રામવાળા પેક માટે 96 રુપિયાની જગ્યાએ 105 રુપિયા ચૂકવવા પડશે. આ હિસાબથી તેની કિંમત 9.4% વધી છે.
જોકે, રિઝર્વ બેંક વ્યાજ દર નક્કી કરવા માટે ગ્રાહક ભાવાંક ( CPI)ની ગણતરી ધ્યાનમાં લેતી આવે છે. રિટેલ ફુગાવો હજુ પણ છ ટકા આસપાસ જ હોવાથી જથ્થાબંધ ભાવાંકની બહુ અસર રિઝર્વ બેંકની વ્યાજ દર અંગેની રણનીતિમાં જોવા મળશે નહીં.