રાજયમાં વધતાં જતા કોરોના સંક્રમણ ઘટાડવા ડોક્ટરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. હાલમાં, સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબો કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાંને મજબૂત કરવા ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ કરાવી રહ્યા છે. આ કસરતથી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે અને ફેફસાંને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે છે.
આ વિશે સિવિલના મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો. અજય પરમારે જણાવ્યું કે, કોરોના ફેફસાંને સૌથી વધારે અસર કરે છે. જેનાથી શ્વસનમાં મુશ્કેલી સર્જાય છે. જેને તબીબી ભાષામાં ‘પલ્મોનરી ફાઈબ્રોસિસ’ કહેવાય છે. ફેફસાનાં જેટલા ભાગમાં ફાઈબ્રોસિસ થાય છે તેટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. કોરોનાથી નબળા પડેલા ફેફસા અને ફ્રાઈબ્રોસિસની અસર ધરાવતા દર્દીઓ માટે ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ સંજીવની સમાન સાબિત થાય છે. ઓક્સિજન લેવામાં તકલીફ પડતા દર્દીઓને એક મહિના સુધી સ્પાઈરોમેટ્રી કસરત કરાવતા તબિયતમાં સુધારો જોવા મળે છે.

સુરતના માંડવીના રહેવાસી અને માંડવીના માર્ગ અને મકાન વિભાગમાં પ્યુન કામ કરી રહેલા 56 વર્ષીય નટવરભાઈ મોરેનને આ કસરતથી સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. અને ઝડપી રિકવરી લાવવામાં ફાયદો થયો છે. તેમણે 24 દિવસ બાદ કોરોનાને મહાત આપી હતી. કોરોનાના દર્દીઓ માટે આ કસરત ઘણી ફાયદાકારક છે.

શું છે સ્પાઈરોમીટર?
શરીરના દરેક કાર્યો માટે ઓક્સિજન જરૂરી છે. કોરોના વાયરસ સીધો ફેફસાને અસર કરતો હોવાથી શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં રૂકાવટ થતાં શરીરને ઓક્સિજન મળતું નથી. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓની શ્વસન ક્રિયા સુગમ બને તે માટે સ્પાઈરોમીટર ઉપયોગી બને છે. આ એક ખાસ બનાવટનું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જે ફેફસાં દ્વારા વેન્ટિલેશન, શ્વાસ અને ઉચ્છવાસમાં લેવાયેલી હવાની ગતિને માપીને ધીમા અને ઊંડા શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે.
આ પણ વાંચો : સુરક્ષા ભંગ ભારે પડશે, એરક્રાફ્ટ સંશોધન બિલ મંજુર
