આજે વર્ષોના લાંબા વિવાદ બાદ અયોધ્યામાં ભૂમિ પૂજન થયું છે. ભગવાન રામની નગરી અયોધ્યા રામ ઉપરાંત હજારો મહાપુરુષોની કર્મભૂમિ રહી છે. જેથી આ પવિત્ર ભૂમિ હિન્દૂઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે જાણીએ અયોધ્યા સાથે સંકળાયેલા કેટલાક રોચક તથ્યો…

હિન્દુઓની પૌરાણિક માન્યતાઓ અનુસાર, અયોધ્યા નગરી પવિત્ર સપ્તપુરિયોમાંથી એક છે. જેમાં અયોધ્યા ઉપરાંત મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિક (ઉજ્જેયિની) અને દ્વારકાનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, અયોધ્યા નગરી ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર પર વસી છે. અયોધ્યા પ્રભુ શ્રી રામનું જન્મસ્થાન છે. જેના પુરતા પુરાવા પણ છે. રિસર્ચ અનુસાર, ભગવાન રામનો જન્મ 5114 ઈસ્વી પૂર્વે થયો હતો. ચૈત્ર મહિનાની નવમી તીથીને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે.

ધાર્મિક કથાઓમાં જાણવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુએ પોતાના રામ અવતાર માટે ભૂમિ પસંદ કરવા માટે બ્રહ્મા, મનુ, વિશ્વકર્મા અને મહર્ષિ વશિષ્ઠને મોકલ્યા હતા. જેમાં, મહર્ષિ વશિષ્ઠ દ્વારા સરયુ નદીના તટે અયોધ્યાની પસંદગી કરવામાં આવી અને જેનું દેવશિલ્પી વિશ્વકર્માએ નિર્માણ કર્યું.

તે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, સૂર્યના પુત્ર વૈવસ્વત મનુ મહારાજે અયોધ્યાની સ્થાપના કરી હતી. જેમાં રાજા દશરથ અયોધ્યાના 63માં શાસક હતા. પ્રાચીન શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે, અયોધ્યાનું ક્ષેત્રફળ 96 વર્ગ માઈલ હતું. ઋષિ વાલ્મિકી રામાયણના 5માં અધ્યાયમાં અયોધ્યાનું વર્ણન કર્યું છે. તે ઉપરાંત, અથર્વ વેદમાં પણ અયોધ્યાનો ઉલ્લેખ મળે છે. તેમજ જૈન ધર્મના મત મુજબ, અયોધ્યામાં પાંચ તિર્થંકરોનો જન્મ થયો હતો.
આ પણ વાંચો :શા માટે PM મોદીએ રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનું વૃક્ષ લગાવામાં આવ્યું ?, જાણો તેનું ઐતિહાસિક મહત્વ
ભગવાન રામના નિધન બાદ અયોધ્યા નગરી વિરાન બની ગઈ હતી. ત્યારબાદ ભગવાન શ્રી રામના પુત્ર કુશે અયોધ્યા નગરીને પુન: વસાવી હતી. સૂર્યવંશની આગામી 44 પેઢીઓ સુધી અયોધ્યાનું અસ્તિત્વ યથાવત રહ્યું. તેમજ પૌરાણિક માહિતી અનુસાર, મહાભારતના યુદ્ધ બાદ ફરી અયોધ્યા વીરાન બની ગઈ હતી.
