હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. જેમાં સરકારે કોરોનાને હરાવવા ઘણા નીતિ-નિયમો બનાવ્યા છે. આ અગાઉ લોકડાઉન પણ જાહેર કર્યું હતું. ત્યારે લોકોના મનમાં ઘણી વાર સવાલ થતા હોય છે કે, શું ફૂડ પેકેટ દ્વારા કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે?. આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ છે કે, ફૂડ કે ફૂડ પેકેટથી કોરોના વાઈરસ ફેલાવવાના કોઈ પુરાવા મળ્યા નથી. જેથી સંગઠને અપીલ કરી છે કે, લોકો ફૂડથી સંક્રમિત હોવાને લઈને ડરે નહીં.

આ વિશે WHOના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ માઈક રયાને કહ્યુ છે કે, લોકો ફૂડની ડિલીવરી કે પ્રોસેસ ફૂડના પેકેટનો ઉપયોગ કરવાથી ડરે નહીં. WHOની મહામારી વિશેષજ્ઞ મારિયા વેન કેરખોવેએ જણાવ્યું છે કે, ચીને લાખો પેકેટની તપાસ કરી છે જેમાંથી 10થી પણ ઓછા પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ વિશે ચીનનુ કહેવુ છે કે, તેમના બે શહેરોમાં બ્રાઝિલથી આયાત કરવામાં આવેલા ફ્રોઝેન ચિકનની તપાસમાં વાઈરસની પુષ્ટિ થઈ હતી. તે ઉપરાંત, ઈક્વાડોરથી આવેલા ખાવાના સામાનના પેકેટ પર પણ વાઈરસ મળ્યા હતા.
આ પણ વાંચો : સુરતમાં કોરોના સંક્રમણનો આંકડો 17 હજારને પાર, જાણો શહેરના વિવિધ ઝોનોની પરિસ્થિતિ
સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 2 કરોડ 13 લાખને પાર કરી ગઈ છે જયારે, 7 લાખ 63 હજારથી વધારે લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.
