ગત દિવસે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે #DhoniRetires ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતું. જેણે માહીના તમામ ચાહકોને ચોંકાવી દીધા. આ પછી, ધોનીની પત્ની સાક્ષીએ તેને સોશિયલ મીડિયા પર એક અફવા ગણાવી હતી અને ધોની વિરુદ્ધ કાવતરું ઘડનારાઓને યોગ્ય જવાબ આપ્યો હતો.
ધોનીના રિટાયરમેંટ વિશે સાક્ષીએ કહ્યું
સાક્ષીએ ટ્વિટર પર લખ્યું, ‘ધોની સંન્યાસ લેશે તે એક અફવા છે. એવું લાગે છે કે લોકડાઉનથી લોકો માનસિક રીતે અસ્થિર થઈ ગયા છે.’ જોકે સાક્ષીએ પોતાનું ટ્વીટ પછી ડિલીટ કર્યું હતું.

આ પછી ધોનીના ચાહકો એક્શનમાં આવ્યા અને ટ્રેડ #DhoniNeverRetire ની શરૂઆત કરી. ધોનીના ચાહકોએ તેમના જૂના યાદગાર વીડિયો અને ફોટા ટ્વિટર પર શેર કરવાનું શરૂ કર્યું.

ધોનીની નિવૃત્તિની અટકળો શરૂ થઈ હતી
મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2019માં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં રમી હતી. વર્લ્ડ કપની સેમિફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોની રન આઉટ થતાંની સાથે જ ચાહકો ઉદાસ થયા હતા. ત્યારબાદથી ધોનીની નિવૃત્તિની અટકળોનો સમયગાળો શરૂ થયો હતો. એવું માનવામાં આવતું હતું કે મહેન્દ્રસિંહ ધોની 2019 ક્રિકેટ વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2019 માં મહેન્દ્ર સિંહ ધોનીનું પર્ફોર્મન્સ ખૂબ ખરાબ રહ્યું હતું.

38 વર્ષીય ધોનીએ વર્લ્ડ કપ 2019 માં રમાયેલી 9 મેચની 8 ઇનિંગ્સમાં 45.50 ની સરેરાશથી 273 રન બનાવ્યા, જેમાં 2 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન ધોનીને તેની ધીમી બેટિંગ માટે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે ICC વર્લ્ડ ટી-20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી (2013) જીતી હતી. આ સિવાય વર્ષ 2009 માં ભારત પ્રથમ વખત ટેસ્ટમાં પ્રથમ ક્રમે રહ્યું હતું.
આ પણ વાંચો : ભારતના 9 રાજ્યો પર તીડોનાં જૂંડનો આતંક, જાણો કેવી છે તંત્રની તૈયારી
