કોરોના કાળના અનેક લોકો હોસ્પિટલ તેમજ દવાની દુકાનોની બહાર લાંબી લાંબી લાઈનોમાં ઊભા હતા તો બીજી તરફ સુરત, અમદાવાદ સહિતનાં શહેરોમાં વાઇન શૉપની બહાર પણ લાઇનો જોવા મળી હતી. ભાસ્કર દ્વારા કરવામાં આવેલી RTI તથા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ, સુરત સહિત રાજ્યનાં 5 મોટાં શહેરોમાં કોરોનાકાળમાં 77 લાખ લિટર પરમિટવાળો દારૂ વેચાયો હતો. બીજી તરફ અમદાવાદમાં બે વર્ષમાં અંદાજિત 201 કરોડની કિંમતના અંદાજે 42 લાખ લિટરથી વધુનો દારૂ વેચાયો હોવાનું નશાબંધી વિભાગનાં સૂત્રોનું કહેવું છે.
જ્યારે વડોદરા, અંકલેશ્વર અને ભરૂચની વાત કરીએ તો એ પાછળ નથી. આ શહેરોની સરખામણીમાં સુરતમાં સૌથી વધુ લીકર વેચાયો હતો. અમદાવાદના અંદાજિત આંકડા સૂત્રોએ આપ્યા હતા, જ્યારે એ સિવાયના તમામ શહેરોના આંકડા નશાબંધી વિભાગે પાસેથી આરટીઆઈ દ્વારા મેળવવામાં આવ્યા છે. સુરતમાં વેચાયેલા લીકરમાંથી 92.45 ટકા બિયર હતો અને 7.55 ટકા સ્પિરિટ (વ્હિસ્કી-સ્કોચ-વાઇન) હતો. લીકર શોપમાં અલગ-અલગ બ્રાન્ડની બિયર-વ્હિસ્કી વેચાય છે, પણ જો સરેરાશ કિંમત કાઢીએ તો બિયર 400 રૂપિયા લિટર અને વ્હિસ્કી 3000 રૂપિયા લિટરે વેચાઈ રહી છે, એટલે કે સુરતીઓ કોરોનાકાળના 33 મહિનામાં 115 કરોડનો બિયર અને 72 કરોડની વ્હિસ્કી-સ્કોચ-વાઇન ગટગટાવી ગયા હતા.

પોરબંદરમાં વાઇન શોપની અરજી નકારાઈ
ભરૂચ-અંકલેશ્વરમાં 20.43 લાખ લિટર, વડોદરામાં 9.62 લાખ લિટર અને ગાંધીનગરમાં 2.01 લાખ લિટર લીકરનું પરમિટથી વેચાણ થયું હતું. વેચાયેલી વ્હિસ્કી-સ્કોચમાંથી 76.55% ઇમ્પોર્ટેડ હતી અને 23.45% ઇન્ડિયન મેઇડ દારૂ હતો. જેટલી પણ વાઇનની બોટલ વેચાઈ છે એમાંથી 93.31 ટકા વાઇનની બોટલ 17 ટકાથી વધુ આલ્કોહોલયુક્ત હતી. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં વિદેશીઓ સહિત ઘણા પ્રવાસીઓ મુલકાતે આવતા હોય છે. એક વેપારીએ આ સ્થળે વાઇન શોપ શરૂ કરવા માટે પરવાનગી માગી હતી, પરંતુ રાજ્ય સરકારે આ સ્થળે વાઇન શોપ શરૂ કરવા માટેની અરજી નામંજૂર કરી દીધી હતી. રાજ્યના દરેક શહેરમાં વાઇન શોપ છે, પણ પોરબંદરમાં નથી. આખા રાજ્યમાં 58 વાઇન શોપ છે.
છેલ્લાં 4 વર્ષમાં 4 શહેરમાં 31 હજાર લોકોને પરમિટ અપાઈ
ચાર મહાનગરોમાં હજારો લોકોએ લીકર પરમિટ માટે અરજી કરી હતી, જેમાંથી 31 હજાર લોકોની અરજી મંજૂર થઈ હતી.

ગુજરાતમાં ગેરકાયદે કે પરમિટથી દર મહિને 4થી 5 લાખ લિટર દારૂ વેચાય છે
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ, છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 1,05,13,149 લિટર જેટલો દારૂ પકડાયો છે, જેની કુલ કિંમત 236.16 કરોડ થવા જાય છે. જો દૈનિક સરેરાશ કઢાય તો રાજ્યમાં રોજનો અધધધ 14,402 લિટર દારૂ પકડાય છે. અંદાજ પ્રમાણે રાજ્યમાં દર મહિને સરેરાશ 4થી 5 લાખ લિટર દારૂ પરમિટ દ્વારા તથા ગેરકાયદે રીતે વેચાય છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં વિદેશી દારૂની કુલ 1,06,32,904 બોટલ દારૂ પકડાયો છે, જ્યારે બિયરની કુલ 12,20,258 બોટલ પકડાઇ છે.
વર્ષ 2018 2019 2020 2021
અ’વાદ 3448 1,201.00 4,019.00 4,428.00
સુરત 1671 2,805.00 1,682.00 4,116.00
વડોદરા 379 1074 1492 468
રાજકોટ 485 1,348.00 921.00 1,482.00