ચૈત્ર સુદ તેરસના શુભ દીને આશરે ૨૬૨૦ વર્ષ પહેલાં જૈન ધર્મના આ ચોવીસીના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. જૈન સાધુ અને સાધ્વીજી ભગવંતો તથા જૈન ધર્મના અનુયાયીઓ ખૂબ જ હરખભેર આ દિનની ઉજવણી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દીન તરીકે કરે છે.

આ સમારોહ બાબતે યુવક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી નિરવભાઈ શાહએ જણાવ્યું હતું કે, છેલ્લા પંદર જેટલા વર્ષોથી આ દિવસની ઉજવણીમાં સમગ્ર સુરત શહેરમાં અનેકવિધ જગ્યાઓ પર જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના બનાવેલા લાડુનું વિતરણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા કરવામાં આવે છે જેમાં હજારો યુવક, યુવતીઓ પરિવારજનો સાથે ઉત્સાહભેર ભાગ લે છે, મંડપો બાંધવામાં આવે છે, ભગવાન મહાવીર સ્વામી અને જૈન ધર્મના ગીતો અને સ્તવનોથી વાતાવરણ સુમધુર થઈ જતું હૉય છે. ધ્વજા પતાકા લહેરાતી હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગો પર આવનારા જનારા દરેક રાહદારી, બસ ચાલક, રીક્ષા ચાલક, દ્વિ ચક્રીય તથા ચાર ચક્રીય વાહન ચાલક તમામનું જય મહાવીર સ્વામીના સંબોધન સાથે બે હાથ જોડીને ૧ લાખથી વધુ લાડુના વિતરણ દ્વારા “મ્હો મીઠું” કરાવવામાં આવ્યું.

આ વર્ષે તારીખ ૧૪ એપ્રિલ, ગુરુવારના રોજ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મદીન આવે છે. જેની ભવ્ય ઉજવણી દર વખતની જેમ આ વખતે પણ સુરત શહેરમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા કરવામાં આવી રહી છે. આ સિવાય પણ ઘણી બધી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ તેમના દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવે છે.

સત્ય, કરુણા, અહિંસા, જીવદયા, ક્ષમા અને અપરિગ્રહ જેવા તત્વો પર આધારિત જૈન ધર્મના આ ચોવીસીના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના જન્મદીનની ઉજવણીમાં શહેરના રાજકીય આગેવાનો, જૈન શ્રેષ્ઠીઓ -સામાજીક સંસ્થાના અગ્રણીઓ સહિત જૈનેતર ભાઈઓ અને બહેનો પણ હર્ષોલ્લાસભેર ભાગ લે છે તથા વિવિધ વ્યાપરી સંગઠનો દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા પણ આ દિવસે જાહેર રજા રાખવામાં આવે છે.
