ગઈકાલે એટલે 22 માર્ચ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુ માટે અપીલ કરવામાં આવી હતી. જેને આખા દેશે અપનાવ્યું હતું સાથે જ પીએમ મોદીએ સાંજે પાંચ વાગ્યા કોરોના સામે લડી રહેલા ડોક્ટરો અને અન્ય બીજા લોકોને સન્માન અને પ્રોત્સાહન આપવા સાંજે 5 વાગ્યે પોત-પોતાના ઘરની બાલ્કનીમાં બહાર નીકળી થાળી-તાળી વગાડવા કહ્યું હતું. સાથે જ રાજ્યોના મુખ્યમંત્રીએ પણ 9 વાગ્યા પછી પણ બહાર નહીં નીકળવા અનુરોધ કર્યો હતો.
19 લોકોના નામજોગ સહિત 50ના ટોળા સામે પોલીસ ફરીયાદ
વડાપ્રધાને કર્ફ્યૂ દરમ્યાન સાંજે 5 વાગ્યે કોરોનાનાં સંકટ વચ્ચે પણ કામ કરતા લોકોનો આભાર માટે ઘરની બાલ્કનીમાં ઉભા રહી થાળી વગાડવા કહ્યું હતું. પરંતુ રાયપુર પોલીસ ચોકી પાસે સાંજે 5 વાગ્યે 50 લોકોનું ટોળું ભેગું થઈ હાથમાં થાળી વગાડી ગરબા રમતા હતા. આ તમામ 50 લોકો ગરબા રમવા અને થાળી વગાડતા ખાડીયા પોલીસે લાઉડ સ્પીકરથી વિખેરાઈ ઘરે જવા સૂચના આપી હતી. અમદાવાદમાં 144 લાગુ છતા ટોળું ભેગું થઇ જતા પોલીસે 19 લોકોના નામજોગ સહિત 50ના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો : શું રાજ્યમાં કોરોના વાયરસ સ્થાનીય સ્તર પર પહોંચી ગયુ ? શું કહે છે ગુજરાતની પરિસ્થિતિ

આ અંગે ખાડીયા પોલીસે જણાવ્યું કે, 50માંથી 19 લોકોનાં નામજોગ ફરિયાદ નોંધી અનેક લોકોની અટકાયત કરી છે. અન્ય લોકોની અટકાયત કરવાની તજવીજ શરૂ છે.
