રાજ્ય વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન વિવિધ પૂરક માંગણીઓ પર ચર્ચા માટે સમય વધારી આપવાની વિપક્ષની માગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વીકારી છે. આમ છતાં પણ ગૃહમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોંગ્રેસ માત્ર રાજનીતિ જ કરવા ઈચ્છે છે તે બિલકુલ ગેરવાજબી બાબત હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવતાં ઉમેર્યું હતું કે, આ પરથી આજની કામકાજ સલાહકાર સમિતીમાં કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ દેખાઈ આવે છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ખાતે આજે વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સહિત કામકાજ સલાહકાર સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. સભ્યોને રજાના દિવસોમાં પ્રજાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પોતાના મત વિસ્તારમાં જવાનું હોવાથી રજાના દિવસે ગૃહ ચાલુ રાખવા કોંગ્રેસની માંગ કરીને માત્ર રાજનીતિ કરે છે.

કોંગ્રેસમાંથી કોઈને વિપક્ષના નેતા દંડક, નાયબ દંડક બનવાની મહે્ચ્છા છતી થઇ એજ બતાવે છે કે તેઓમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહના જીવંત પ્રસારણ કરવા અંગે આખી બાબત સબ જ્યુડિશિયલ હોય વિપક્ષની આ માંગ અંગે કોઇ ચર્ચા થઇ શકે નહીં. કોંગ્રેસ બેઠકમાં ભાગ લેવાને બદલે બહાર રહીને માત્ર રાજનીતિ કરી રહી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, બજેટ સત્રમાં ગુજરાત ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી (સુધારા) વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) (સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ અત્યારથી જ 2022ની વિધાનસભાની ચૂંટણી હારી ગઈ છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.