લેખક જાવેદ અખ્તર દ્વારા અભિનેત્રી કંગના રનૌત પર કરાયેલા માનહાનિના કેસને લઇ સોમવારના રોજ મુંબઇની એક કોર્ટમાં સુનવણી થઇ. આ દરમ્યાન બંને કોર્ટમાં હાજર થયા. કંગના રનૌતે આ આખા વિવાદમાં જાવેદ અખ્તર પર કાઉન્ટર અરજી દાખલ કરી છે. જેમાં તેણે જાવેદ અખ્તર પર આરોપ મૂકયા છે. મુંબઇની અંધેરી કોર્ટમાં સોમવારના રોજ કંગના રનોત ભારે-ભરખમ સુરક્ષાની વચ્ચે હાજર થવા માટે પહોંચી હતી. મેજીસ્ટ્રેટ દ્વારા બંનેને આ કેસમાં હાજર થવા માટે કહ્યું હતું. જાવેદ અખ્તર પહેલાં જ કોર્ટમાં હાજર રહ્યા.
મેજીસ્ટ્રેટ દ્વારા હવે આ કેસની સુનવણી 15મી નવેમ્બરના રોજ કરવા માટે કહ્યું છે. કંગના રનૌતે આ દરમ્યાન એક અરજી દાખલ કરી છે જેમાં જાવેદ અખ્તર પર જબરદસ્તી વસૂલી, ગોપનીયતાના ભંગ સહિત અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. કંગના રનૌતે પોતાની બીજી એક અરજીમાં બંને કેસને કોઇ બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરાઇ છે. તેના પર એક ઓક્ટોબરના રોજ અંધેરી કોર્ટમાં સુનવણી થશે. કંગનાના વકીલે કહ્યું કે કંગના રનૌતને અંધેરી કોર્ટ પર વિશ્વાસ નથી.
વાત એમ છે કે 2020માં કંગના રનૌતે એક ઇન્ટરવ્યુ દરમ્યાન બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા વિવાદનું નિવેદન આપ્યું હતું. આ દરમ્યાન તેણે જાવેદ અખ્તરને લઇ કેટલાંય પ્રકારના આરોપ મૂકયા હતા. આ કેસ પર જાવેદ અખ્તરે કંગના રનૌત પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટ દ્વારા પહેલાં પણ કંગના રનૌતને હાજર થવા માટે કહ્યું હતું પરંતુ હાજર રહી શકી નહોતી. જો કે હવે કોર્ટે આકરું વલણ અપનાવતા સોમવારના રોજ હાજર થઇ અને કેસને ટ્રાન્સફર કરવાની માંગણી કરી.