ભારતના સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ફેલાયેલો છે. ભારત સરકારે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું હતું. લોકડાઉનમાં તમામ વ્યાપાર ધંધા ઠપ થઇ જતા લોકોની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેનાથી લોકોની ખરીદ શક્તિ પર મોટી અસર થઇ છે. હાલમાં સરકાર લોકડાઉનને અનલોકમાં પરિવર્તિત કરી રહી છે. સરકાર ઘણા ઉદ્યોગ ધંધા પણ નિયમોના પાલન સાથે શરુ કરવાની છૂટછાટ આપી રહી છે. અનલોકથી લોકોનું જન-જીવન સામાન્ય થઇ રહ્યું જોવા મળી રહ્યું છે પરંતુ, લોકોના અંદરથી કોરોનાનો ડર નાબૂદ થયો નથી. જેના પગલે નોકરી ધંધા પર જતા લોકો જાહેર વાહનોનો ઉપયોગ કરતા અચકાટ અનુભવી રહ્યા છે. આ સમયે વાહનવ્યવહાર માટે કાર સુરક્ષિત હોવાથી લોકોમાં જૂની કારની માંગ વધી છે. આ સમયે લોકોની ખરીદ શક્તિ ઘટતા, કારની ખરીદી કરવા ઇચ્છુક લોકો સેકન્ડ હેન્ડ કારની પસંદગી કરી રહ્યા છે.

જો તમે જૂની કારની ખરીદી કરવા માંગો છો તો સૌપ્રથમ તમારી જરૂરત અને બજેટ નક્કી કરવું જરૂરી છે. પોતાની જરૂરિયાત અનુસાર નક્કી કરો કે , હેચબેક લેવી, સેડાન લેવી કે પછી એસયુવી લેવી. જો તમે ઘરથી નજીક જવા માટે અને તમારી ઓફિસ ઘરથી નજીક હોય તો તમે હેચબેક કાર ખરીદી શકો છો. જો પરિવાર સાથે ફરવા માટે કાર ખરીદી રહ્યા છો અને તમારો પરિવાર મોટો હોય તો સેડાન કાર યોગ્ય રહેશે. જો તમારે વારંવાર શહેરની બહાર જવાનું થતું હોય તો એસયુવી કાર ખરીદી શકો છો. પરંતુ, એસયુવીનો પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ ઉઠાવવા માટે તમારે તૈયાર થવું રહેશે.

આ વિશે OLX Autos ઈન્ડિયાના વડા, અમિત કુમારે જણાવ્યું કે, જો તમે વારંવાર પૂર આવતો હોય, રસ્તાઓ ખડકાળ હોય તો એવી કાર પસંદ કરવી જેના ચેસીસ ઊંચા હોય. સામાન્ય રીતે ચાર કે પાંચ વર્ષ જૂની કારની કિંમત મૂળ કિંમત કરતા 55-60 % રહે છે. મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ વ્હીલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશુતોષ પાંડેએ કહ્યું કે, “આટલા વર્ષો પછી પણ કાર 30,000 થી 50,000 કિલોમીટર ચાલી હોય તો પણ તે ખરીદવું યોગ્ય રહેશે.”
આ સમયે જો તમે ડીઝલ કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો 1 લાખ કિ.મી.થી ઓછું ફરેલા વાહનની પસંદગી કરો. કાર્સ 24ના સહ-સ્થાપક અને મુખ્ય માર્કેટિંગ ઓફિસર ગજેન્દ્ર જાંગીડે કહ્યું કે, “જ્યારે ડીઝલ કાર 1-1.5 લાખ કિલોમીટર દોડે છે, ત્યારબાદ તેના જાળવણી ખર્ચમાં વધારો થવા લાગે છે. પેટ્રોલ પર ચાલતા વાહન ચાલ્યા પછી પણ તેના એન્જિનમાં કોઈ ખામી આવતી નથી.
જો તમે કોઈ જૂની કારની પસંદગી કરી દીધી છે તો કાર નિષ્ણાતને બતાવીને સંપૂર્ણ તપાસ કરવો. જો ગાડીમાં કોઈ સમસ્યા હોય તો સારી કંપની પાસેથી વાહનનું પ્રમાણપત્ર મેળવો. સર્ટિફિકેટ મળે તો કારની વોરંટી પણ ખરીદી શકો છો. જેનાથી તમને સંતોષ અને વિશ્વાસ રહેશે. કારની ખરીદીમાં સૌથી મહત્વની બાબત હોય છે કિંમતની, ઘણી વાર કાર ખરીદ્યા પછી ગ્રાહકને લાગતું હોય છે કે કિંમત વધારે આપી દીધી છે. કારની કિંમત જાણવા તમે ઇન્ડિયનબુક ડોટ કોમ વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો.
જૂની કાર ખરીદવામાં ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે. કારણ કે, કારની કિંમત ઘટાડવા વાટાઘાટો કરવી પડી શકે છે. કોઈ વ્યક્તિ તાત્કાલિક કાર રહી હોય તો શ્રેષ્ઠ સોદો મળી શકે છો. જૂની કાર ખરીદતી વખતે કાગળની ખાસ તપાસ કરવી અગત્યની છે. વાહન ખરીદ્યા પછી વહેલી તકે પોતાના નામ પર કરી લેવું જોઈએ.
