સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જરૂર જીત થઈ છે. પરંતુ, આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા આમ આદમી પાર્ટીની થઈ રહી છે. વરાછામાં ભાજપ અને કોંગ્રેસનાં કદાવર નેતાઓને હંફાવી આપનાં 27 નવા ચહેરાઓ મેદાન મારી ગયાં છે. ગુજરાતમાં શરૂઆત સાથે જ લોકોનાં બહોળા પ્રતિસાદે સૌ કોઈનું ધ્યાન આપ તરફ ખેંચ્યું છે. સુરતમાં અકલ્પનીય સફળતા બાદ આપનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે સુરત આવ્યાં હતાં. જ્યાં જંગી જનમેદની સાથે વરાછા વિસ્તારમાં રોડ શો કર્યો હતો. રોડ શોનાં અંતે 22 માસૂમોનએ જીવ ગુમાવ્યો તે તક્ષશીલા ખાતે વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું.

અરવિંદ કેજરીવાલે સભાને સંબોધન કરતાં પહેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલી અર્પણ કરી તક્ષશીલા વાલીમંડળને સાંત્વનાં આપી હતી. સંબોધનમાં તેમણે દિલ્હી મોડેલને રજૂ કરતાં લોકોને ચોવીસ કલાક વીજળી, 75 ટકા લોકોને મફત વિજળી, સારી સરકારી સ્વાસ્થ્ય સેવા, યુવાનોને રોજગારી, સારા રોડ-રસ્તા અને ભ્રષ્ટાચારમુક્ત વિકાસની વાત કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે, અહિંયા બે પ્રકારનાં લોકોની પાર્ટી છે. એક ઘમંડીઓની પાર્ટી અને એક બેમુખી લોકોની પાર્ટી છે. પરંતુ, અમારી પાર્ટી ઈમાનદાર લોકોની પાર્ટી છે. અહીં ભાજપ 25 વર્ષથી શાસન કરે છે. પરંતુ, 25 વર્ષનાં શાસનમાં સૌથી મોંઘી વિજળી ગુજરાતમાં છે. અમે પાંચ વર્ષમાં દિલ્હીમાં મફત વિજળી પુરી પાડી શકીએ તો, ભાજપ 25 વર્ષમાં કેમ ન આપી શકે? અમે છેલ્લા પાંચ વર્ષમાં 10 લાખ યુવાનોને નોકરી અપાવી શકતા હોઈએ તો 25 વર્ષમાં ભાજપે શું કર્યું? આજે ગુજરાતમાં યુવક કોલેજ માટે ધક્કા ખાય છે. કોલેજ પાસ કર્યાં પછી નોકરી માટે ધક્કા થાય છે. ભાજપે જે કામ 25 વર્ષમાં નથી કર્યું તે અમે 5 વર્ષમાં કરી દેખાડ્યું. અમને ગુજરાતમાં 5 વર્ષ આપો તમે ભાજપનાં 25 વર્ષ ભુલી જશો.
વધુમાં તેમણે લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રેલીમાં લોકોનો પ્રેમ જોઈને મારી આંખમાંથી આંસુ નીકળી આવ્યાં હતાં. હું તમારો ખુબ ખુબ આભાર માનું છું. હાલમાં નગર નિગમની જે ચૂંટણી થઈ તેમાં સુરતની જનતાએ આમ આદમી પાર્ટી પર જે વિશ્વાસ મુક્યો છે. તેને અમે પુરો કરવા માટે અવિરત કાર્યો કરીશું. સુરતમાં જેમ જનતાએ આપ પર જે વિશ્વાસ મુક્યો છે, તેવી જ રીતે 28 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઝાડુનાં બટન દબાવી પ્રેમ આપજો. તમે પણ તમારા ગામમાં લોકોને અને મિત્રોને જણાવજો કે, 28 તારીખે તમામ બટન ઝાડુના દબાવા જોઈએ. અમને માત્ર 5 વર્ષ માટેનો સમય આપો અને ભાજપે જે 25 વર્ષમાં નથી કર્યું એ અમે 5 વર્ષમાં કરી બતાવીશું.
કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં આજે લોકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાડીને સરકારી શાળામાં દાખલ કરાવવા લાગ્યા છે. દિલ્હીની ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ છે. આ વખતે દિલ્હીની સરકારી શાળાઓનું 98 ટકા પરિણામ આવ્યું છે. પાટીદારોનાં ગઢમાં આપની વિશાળ રેલી અને લોકોનાં પ્રતિસાદને લઈને તેમણે ઉમેર્યું હતું કે, ગુજરતની જનતાનો પ્રેમ જોતા મને એવું લાગે છે કે, ગુજરાતમાં કંઈક અદભૂત થવાનું છે. અરવિંદ કેજરીવાલનાં સ્વાગત માટે રોડ દરમિયાન અલગ અલગ સ્થળ ઉપર લોકોએ પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું. વડિલો, મહિલાઓ બાળકો તેમને જોવા માટે રોડ પર ઉમટી પડ્યા હતાં.