બારસો વર્ષથી પણ વધુ સમયથી ભારતીયો વીર યોદ્ધાની જેમ લડી રહ્યો છે. તેની સામે એક તરફ મોહંમદ ઘોરી જેવા વિદેશી આક્રાંતાઓ છે, તો બીજી તરફ ભારતીય કુળને લાંછન લગાડનારા જયચંદ-અમીચંદો છે. એક તરફ નરેન્દ્ર મોદી જેવા પરાક્રમી અને રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત શાસક છે, તો બીજી તરફ બૌદ્ધિકતાનો બૂરખો ઓઢીને ફરતી ટૂકડે ગેંગ છે. એમના માટે અફઝલ ગુરૂ કે બિન લાદેન જેવાનું ગૌરવગાન કરવું એ ગૌરવની વાત છે.
ભારતે તો લડવાનું છે, પરંતુ લાંબી લડાઈ લડનારાઓ નાના-નાના પરાજયો અને ઠોકરોથી ડરતા નથી કે આંસુ સારતા નથી. લડાઈ કોઇ પણ હોય આર્થિક મોરચાની હોય કે રાજકારણની, સાંસ્કૃતિક આક્રમણ સામેની હોય કે વિદેશીઓ સામેની, સમાજિક વિકૃતિઓ સામેની હોય કે સરહદ પરની હોય – લડાઈમાં હંમેશાં પુષ્પો જ મળે એવું નથી, કાંટા પણ મળે…
આ દેશમાં જેમ વીરોની એક પરંપરા રહી છે એમ, વિશ્વાસઘાત અને ડરપોકપણાની પણ શરમજનક પરંપરા રહી છે. આપણો ઇતિહાસ આપણને લડવાનું શીખવે છે, ઘૂંટણિયે પડવાનું નહીં, નક્કી આપણે કરવાનું હોય કે લડવું છે કે ઘૂંટણિયે પડવું છે! એમાંથી જ આપણે વિજયીની પરંપરાનો પાયો રચાય છે.
ઇતિહાસ તરફ એક દ્રષ્ટિ દોડાવો. હજારો વર્ષથી ભારત દરેક પ્રકારનાઆઘાત અને વિશ્વાસઘાત સહન કરીને પણ ખડકની જેમ આજે પણ દુનિયામાં પોતાનું અપ્રતિમ સ્થાન જાળવી શક્યો છે. તેણે તેની સંઘર્ષયાત્રામાં ક્યારેય આંસુ સારીને બેસી રહેવાનું પસંદ કર્યું નથી. તે કદાચ નમ્યો, હાર્યો કે દબાયો હશે પરંતુ પુનઃ વિજયી બનીને બહાર આવ્યો. આમ છતાંય તેનામાં એક નબળાઈ રહી ગઇ. એણે દુશ્મનોનો છેક અંત સુધી પીછો કરી તેનો સર્વનાશ કર્યો નહીં. દુશ્મનોની દયાજનક સ્થિતિ થતાં જ એના પર કરુણા વરસાવી. આ માનસિકતાને ‘પૃથ્વીરાજ ચૌહાણની માનસિકતા કહી શકાય?’ દુશ્મનોને પરાજિત જરૂર કરવા પરંતુ તેનો વિનાશ નહીં. હાથ જોડ્યા એટલે છોડી દો! દુશ્મન હારવા માંડે એટલે આપણે સહજ દયાભાવનાને કારણે એને જવા દીધો. પરિણામ? દુશ્મન હાર્યો પછી એણે ફરી ઘા કર્યો… પીઠ પાછળ ઘા કરનારા ગદ્દારોના હાથે આપણે ઘાયલ થતા રહ્યા. આપણે આદર્શોમાં ખોવાયેલા રહ્યા. આક્રમક વિશ્વાસઘાત, લૂંટફાટ અને પાશવી બર્બરતા આચરી શકે છે એનો વિચાર સુદ્ધાં આપણે કર્યો નહીં. આપણે માર ખાતા જ રહ્યા.
આ પણ વાંચો : JNU બ્રાન્ડ : ટુકડે ટુકડે ગેંગના મનસૂબા ઓળખો
વર્તમાન સંઘર્ષયાત્રામાંથી કોઇ બોધપાઠ લેવો હોય તો એ જ કે આપણે પૃથ્વીરાજ ચૌહાણની માનસિકતામાંથી મુક્ત થવું રહ્યું. વિજયાત્રા આડેની તમામ અડચણોનો સંપૂર્ણ સફાયો ન થાય ત્યાં સુધી શાંત ન બેસાય આ યુદ્ધ નીતિનો નિયમ છે. એવું ગદ્દારોના મામલે હોય.
કનૈયાલાલ મુનશીએ લખેલી નવલકથા ‘જય સોમનાથ’વાંચવા જેવી છે. આખી નવલકથા ખૂબ ઉત્કૃષ્ટ અને પ્રેરક છે. મુનશીએ આલેખેલું ‘શિવરાશિ’નું વ્યક્તિત્વ હૃદયમાં કાંટાની જેમ ભોંકાઈ જાય એવું છે. ભારતના પરાજયમાં ‘શિવરાશિ’નાવિશ્વાસઘાતે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. ઇતિહાસના અનેક વળાંકો પર આવા જ ‘શિવરાશિઓ’એ દેશને દગો દેતા રહ્યા છે. એમની શક્તિઓ નગણ્ય હતી, છતાં ‘ક્ષણની ભૂલ શતાબ્દીઓ સુધી ભોગવવી પડે છે!’ શિવરાશિ હિન્દુ હતો. સોમનાથ મંદિરના પરમ ભટ્ટારક ગુરુદેવનો સંસાર પ્રસિદ્ધ આ પરમશિષ્ય મંદિરનો મુખ્ય પૂજારી બનવાનો હતો. એની વિદ્વતા,જ્ઞાન અને નિષ્ઠાની સર્વત્ર બોલબાલા હતી. વર્ષોથી તે ધર્મ-સાધનામાં મગ્ન હતો. તેના હૃદયના કોઇ એક ખૂણામાં મહત્ત્વાકાંક્ષાનો અગ્નિ પ્રજ્વલિત હતો.
મહંમદ ગઝનીના સોમનાથ મંદિર પરના સંભવિત આક્રમણના પ્રતિકાર માટે મહારાજ ભીમદેવે સમસ્ત હિન્દુ રાજ્યોનીસેનાઓ ભેગી કરી સોમનાથ બહાર સુસજ્જ રાખી હતી. એ જ સમયે શિવરાશિ તેની વ્યક્તિગત મહત્વકાંક્ષા અને ઇર્ષાને કારણે યુદ્ધમાં ભીમદેવને પછાડવાના હેતુથી ગઝનીને ગુપ્ત સુરંગનો માર્ગ દેખાડી મંદિરની અંદર લઇ આવ્યો. શિવરાશિને ઇનામ શું મળ્યું?એટલું જ કે મહંમદ ગઝનીએ સૌથી પહેલાં શિવરાશિના આરાધ્યદેવના શિવલિંગને જ તોડી પાડ્યું. એ પછી શિવરાશિ કૂતરાના મોતે માર્યો.
હિન્દુ સમાજે ઇતિહાસના આવા કેટલાય નાજુક વળાંકો પર હંમેશાં આવા જ શિવરાશિઓના કારણે પરાજય વેઠવો પડ્યો છે… થોડીક પ્રસિદ્ધિ… થોડોક વૈભવ… નાનું અમસ્તું રાજ્ય ભોગવવાની લાલસા… આટલી અમથી બાબતો ગમે તેને શિવરાશિ, જયચંદ કે મીરજાફર બનાવી દે છે!એમનું પોતાનું તો ભલું થતું નથી, પરંતુ નુકસાન સમગ્ર રાષ્ટ્રને થાય છે.
જાણીતા લેખક અને રાજકીય જાણકાર કિશોરભાઈ મકવાણાની કલમે
