આનંદ કે સુખની વ્યાખ્યા દરેક માણસની પોતાની અલગ હોય છે. ઘણાને બીજાના ઘરમાં હોળી સળગાવીને આનંદ કે સુખ મળે તો ઘણાને બીજાના ઘરમાં અજવાળા કરીને સુખ મળે, આનંદ મળે!
બસ્તરના જંગલ વિસ્તારનો સાચો પ્રસંગ છે
એક ભાઇને એક માણસ મળ્યો. તે નદી પર ભાડું લઇને પોતાની હોડીમાં લોકોને સામે પાર પહોંચાડતો. તે માણસદીઠ એક રૂપિયો ભાડું લેતો. પેલા ભાઇએ હોડીવાળાને પૂછ્યું : ‘આ નદી પર નવો પુલ બંધાય છે, પછી તારું શું થશે ?’ જવાબ મળ્યો: ‘મારૂં જે થવાનું હોય તે થાય, પરંતુ લોકોને તો લાભ જ થશે ને .

હોડીવાળાની જગ્યાએ હવે આપણી જાતને મૂકી જૂઓ! મોટાભાગના લોકોને અંધારું છે… અંધારૂ છે એવી બૂમો પાડવાની ટેવ હોય છે પરંતુ માની લઇએ કે ગાઢ અંધારૂ છે પણ દિવો પ્રગટાવવાનું કોણ ના પાડે છે? દિવો તો પ્રગટાવો – અંધારૂ દૂર થાય જ!
આવું જ જીવનનું છે, કોઇના જીવનમાંથી અંધકાર દૂર કરો-બની શકે એ અજવાળું તમારા જીવનમાં ય પ્રકાશ પાથરે!
એક સત્ય ઘટના છે
1892નું વર્ષ અમેરિકાની વિખ્યાત સ્ટાનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો એક યુવાન ખૂબ નિરાશ થઇને કોલેજ કેમ્પસમાં બેઠો હતો. તેની પાસે કોલેજની ફી ભરવાના પૈસા નહોતા ને સમય પણ પૂરો થઇ ગયો હતો. ઘણા પ્રયત્નો કરવા છતાં ફીના પૈસા ભેગા થયા નહોતા. તેના કોઇ સગાં સંબંધી પણ નહોતા. તેના મનમાં અચાનક એક વિચાર આવ્યો. એ એના મિત્ર પાસે દોડ્યો અને પોતાનો વિચાર જણાવ્યો.
બંને મિત્રોએ યુનિવર્સિટી કેમ્પસમાં એક સંગીત પાર્ટી યોજવાનું નક્કી કર્યુ. ટિકિટના પૈસામાંથી જે કોઇ સંગીતકાર આવે એનો ખર્ચ નીકળી અને ફીના પૈસા પણ મળી જાય તેવી ગણતરી બેસાડી. તેમના નસીબે કામ કર્યું આ વખતે વિશ્વવિખ્યાત પિયાનો આર્ટિસ્ટ પેડ્રેવસ્કી શહેરમાં જ હતા. બંને યુવાનોએ પેડ્રેવસ્કીનો શો રાખવાનું નક્કી કર્યુ. એ સમયે પેડ્રેવસ્કી એક શોના બે હજાર ડોલર લેતા. બંને યુવાનોએ પેડ્રેવસ્કીના મેનેજરને મળીને બે હજાર ડોલરમાં તેમનો શો નક્કી કર્યો.
કાર્યક્રમ નક્કી કરી બંને યુવાનો કામે લાગી ગયા. ટિકિટ છપાવવી, સંપર્ક, ટિકિટ વેચવી, આયોજન વગેરેનું કામ કરવા લાગ્યા. પૂરી ટિકિટો વેચાય એ પહેલા તો નક્કી કરેલો દિવસ આવી ગયો. પેડ્રેવસ્કીએ પિયાનોવાદક તરીકે પોતાની બધી જ કળા રજૂ કરીને લોકોને ખુશ કરી દીધા. કાર્યક્રમના બીજા દિવસે બંને યુવાનોએ પેડ્રેવસ્કીનો આભાર માનવા અને એમની ફી ચૂકવવા હોટેલ પર ગયા. પૂરી ટિકિટો ન વેચાતા તે લોકો ફક્ત 1600 ડોલર જ એકઠા કરી શક્યા હતા. જેથી તેઓ માનસિક રીતે હતાશ થઈ ગયા હતા. આ કાર્યક્રમથી કોલેજની ફી તો દૂર પરંતુ, કાર્યક્રમના પૈસા પણ ભેગા થઈ શક્ય નહોતા.
પરંતુ, બંને મિત્રો 1600 ડોલર લઇ પેડ્રેવસ્કી પાસે ગયા. તેમણે 1600 ડોલર આપ્યા, અને બાકીના 400 ડોલરનો ચેક આપતા કહ્યું, ‘સર, અમને માફ કરજો. અમે પૂરી રકમ એકઠી કરી શક્યા નહીં. ખરેખર તો અમે અમારી કોલેજની ફી ભરી શકાય એ માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.પરંતુ ઓછી ટિકિટ વેચાવાના કારણે અમે લાચાર છીએ.હાલ અમારી પાસે એટલા પૈસાની વ્યવસ્થા નથી આથી આપ આ ચેક સ્વીકારો. આપના બાકી નીકળતા 400 ડોલર જલદી મળી જાય એવો પ્રયત્ન કરીશું.
પેડ્કેવસ્કી એક મહાન કલાકારની સાથે એક ઉમદા વ્યક્તિ પણ હતા. થોડીવાર એ બંને યુવાનોના ચહેરાને જોતા રહ્યા. પછી બોલ્યા: ‘અરે આમ થોડું ચાલે! આ ઠીક નથી.’ એટલું કહીને એમણે 400 ડોલરનો ચેક ફાડી નાંખ્યો. પછી 1600 ડોલર પેલા યુવાનોને પાછા આપતા કહ્યું જે કામ માટે મારા શોનું આયોજન થયું હતું એ કામ પહેલા પૂરૂ થવું જોઇએ. આ પૈસા તમે પાછા લઇ જાવ. તમારી કોલેજની ફી ચૂકવી જાય, શોના આયોજન પાછળ તમે કરેલો ખર્ચ ભરપાઇ થઇ જાય એ પછી જે રકમ વધે એ જ તમારે મને આપવાની.’
બંને યુવાનો આંખમાં આંસુ, આશ્ચર્ય અને અહોભાવથી મહાન પિયાનોવાદક પેડ્રેવસ્કીને જોઇ રહ્યા. એમનો હદયથી આભાર માંનીને બંને યુવાનોએ વિદાય લીધી.કાળનું ચક્ર તેજ ગતિએ દોડે છે. એ પછી પેડ્રેવસ્કી પોલેન્ડના રાષ્ટ્રપ્રમુખ બન્યા. શ્રેષ્ઠ શાસક તરીકે ખૂબ લોકપ્રિય બન્યા. પરંતુ કમનસીબે એમના કાર્યકાળમાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એના બિચારા પોલેન્ડની હાલત ખરાબ થઇ ગઇ.અનાજ લઇને આવતા જહાજ દુશ્મનોએ અટકાવી દીધા. એના કારણે પોલેન્ડની પંદર લાખની વસતીને ભૂખે મરવાનો વારો આવ્યો. રાષ્ટ્રપ્રમુખ પેડ્રેવસ્કી બરાબરના મૂંઝાયા હતા. કોની પાસે મદદ માગવી એ જ સમજાતું નહોતું. અંતે અમેરિકા જઇને અમેરિકન ફૂડ એન્ડ રિલીફ ઓર્ગેનાઇઝેશન પાસે મદદ માગવાનુ એમણે નક્કી કર્યુ. એમણે એ પહેલાં ત્યાં ફોન કર્યો. એ સમયે અમેરિકન ફૂડ એન્ડ ઓર્ગેનાઇઝેશનના વડા હતા હર્બર્ટ હુવર. હુવર એ પછી તો અમેરિકાના પ્રમુખ પણ બન્યા હતા. હુવરે સત્વર મદદ કરવાનું વચન આપ્યું અને લાખો ટન અનાજ વિમાનો મારફત પોલેન્ડ પહોંચતું કર્યુ.
ઝડપથી અને પૂરતી મદદ મળવાથી પોલેન્ડ ભયંકર ભૂખમરામાંથી ઉગરી ગયું. પેડ્રેવસ્કીને ખૂબ જ રાહત મળી. એમણે જાતે જઇને હર્બર્ટ કુંવરનો આભાર માનવાનું નક્કી કર્યુ. બંને જ્યારે મળ્યા ત્યારે પેડ્રેવસ્કીએ હુવરનો આભાર માનવા શબ્દો કહેવાનું હજુ તો શરૂ જ કર્યુ ત્યાં જ હુવરે એમના હાથ પકડી લીધા. એમને બોલતા અટકાવીને હુવરે કહ્યું: ‘મિસ્ટર પ્રેસિડેન્ટ! તમારે આભાર માનવાનો જ ના હોય. કદાચ આજેતમને યાદ નહીં હોય, પરંતુ વર્ષો પહેલા સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ કોલેજની ફી ભરી શકે એ માટે તમારા કાર્યક્રમનું આયોજન કર્યુ હતું અને તમે મદદ કરી હતી. યાદ આવ્યું? એમાંનો એક વિદ્યાર્થી હું છું!’ પેડ્રેવસ્કી આંખમાં આંસુ સાથે સાંભળી રહ્યા હતા… આ જ સત્ય છે… તમે વાવો એવું લણો છો. કર્મ કરો-ફળ મળે જ…અંધારાને દૂર કરવોનો પ્રયાસ કરો, પ્રકાશ મળશે જ!
જીવનમાં ક્યારેક આપણા હૂંફ કે પ્રેમથી કહેવાયેલા બે-ચાર શબ્દો પણ સામેના માણસને જીવવા માટેનું બળ આપે છે. દિવાળીના ઝગમગતા દીવડાંના પ્રકાશમાં યજુર્વેદ (36-18) ની પ્રાર્થના હૈયે ધરીએ તો મોટાભાગના પ્રશ્નો અને મનભેદ ઉકેલી જશે: ‘હે પરમ દ્રઢ પરમેશ્વર!તું મને દ્રઢ બનાવ.બધાં પ્રાણીમાત્ર મને મિત્રભાવે પણ બધા પ્રાણીમાત્રને મિત્રભાવે જોઉં. અમે પરસ્પર સૌ એકબીજાંને મિત્રભાવે જોઇએ…’
દીપાવલી અને નૂતન વર્ષની મંગલમય કામના..
જાણીતા લેખક અને રાજકીય જાણકાર કિશોરભાઈ મકવાણાની કલમે
