કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં લોકોને જીવન જરૂરી વસ્તુઓની અછત થવા લાગી છે. આ લોકડાઉન દરમિયાન શાકભાજીના રીટેલ વેપારીઓ દ્વારા લૂંટ ચલાવતી હોવાનુ સામે આવ્યું છે. ખેડૂતોથી હૉલસેલના વેપારીઓ પાસેથી શાકભાજી ગ્રાહકો સુધી પહોંચતા 3-4 ગણું મોંઘું થઈ જાય છે. શાકભાજીનો પૂરતો જથ્થો હોવા છતાં પણ ગ્રાહકોને વધારે કિંમત આપીને ખરીદવું પડી રહ્યું છે.

એપીએમસીના શાકભાજીના હૉલસેલના વેપારીએ કહ્યું છે કે, “રાજ્યમાં શાકભાજીની કોઈ કંઈ નથી. મોટાભાગનું શાકભાજી સસ્તું છે. કારણ કે હાલ ઉનાળાની સિઝન છે જેથી લોકો શાકભાજી ઓછું ખાય છે. તે ઉપરાંત હાલની પરિસ્થિતિના કારણે રાજ્યના 40 % વિસ્તારમાં શાકભાજી ઓછું પહોંચે છે અથવા પહોંચતું નથી.”

બીજા એક શાકભાજીના હૉલસેલના વેપારીએ જણાવ્યું કે, “લૉકડાઉન 4 શરૂ થયું તે પહેલાં શાકભાજી મોંઘું મળતું હતું. પણ હાલમાં શાકભાજી ખૂબ જ સસ્તું છે, કારણ કે ખેડૂતો શાકભાજીનો જથ્થો વેચીને પૈસા છુટા કરવા માંગે છે. જેથી મોટાભાગના શાકભાજીના હોલસેલમાં 20 થી 25 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. પરંતુ, રીટેલર અલગ અલગ વિસ્તારમાં જઈને વેચતા હોવાથી વધુ ભાવ લઇ રહ્યા છે.
આ પણ વાંચો : લોકડાઉન પછી વધી 64% સેનિટાઇઝરની માંગ, રોજ થાય છે આટલું પ્રોડક્શન

લોકડાઉનમાં જમાલપુર એપીએમસીમાં ભીડ વધતા તેને જેતલપુર ખસેડવામાં આવી હતી. ત્યારબાદ જેતલપુરમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા તંત્ર દ્વારા શહેરના વસ્ત્રાપુર, રિવરફ્રન્ટ, વસ્ત્રાલ અને ગીતામંદિર વિસ્તાર એમ ચાર અલગ અલગ જગ્યાએ હૉલસેલના વેપારીઓને શાકભાજી વેચાણની વ્યવસ્થા કરી છે. આટલી સગવડ કર્યા પછી પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
