રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે એટલે કે પહેલી માર્ચના રોજ એલપીજી સિલિન્ડરની નવી કિંમત જાહેર કરવામાં આવી છે. સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારો ફક્ત કૉમર્શિયલ સિલિન્ડર ની કિંમત પર કરવામાં આવ્યો છે. એવી પણ શક્યતા છે કે સાતમી માર્ચ બાદ ઘરેલૂ સિલિન્ડરની કિંમત માં પણ વધારો થઈ શકે છે. કારણ કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન ત્રીજી માર્ચ અને સાતમા તબક્કાનું મતદાન સાતમી માર્ચના રોજ યોજાનાર છે. આથી શક્ય છે કે સાતમી માર્ચ બાદ ઘરેલૂ સિલિન્ડરની સાથે સાથે પેટ્રોલ-ડીઝલની કિંમત પણ વધી શકે છે.
છ ઓક્ટોબર, 2021 પછી ઘરેલૂ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે ભાવમાં વધારો કે ઘટાડો નથી થયો. આ દરમિયાન ક્રૂડ ઓઇલની કિંમત 102 ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગઈ છે. ઓક્ટોબર 2021થી ફેબ્રુઆરી 2022 સુધી કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો કરાયો છે. દિલ્હીમાં ઓક્ટોબર 2021માં સિલિન્ડરની કિંમત 1736 રૂપિયા હતી, જે ફેબ્રુઆરી 2022માં વધીને 2012 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ ઘરેલૂ સિલિન્ડર ધારકોને ભાવ ન વધ્યા હોવાની રાહત મળી છે.
આ વખતે કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરાયો છે. આજે એટલે કે 1 માર્ચના રોજ 19 કિલોગ્રામના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિાયાનો વધારો કરાયો છે. આજે દિલ્હીમાં 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત 1907 રૂપિયા હતી જે વધીને 2012 રૂપિયા થઈ છે. કોલકાતામાં ભાવ 1987 રૂપિયા હતો જે વધીને 2095 રૂપિયા થયો છે. મુંબઈમાં ભાવ 1857 રૂપિયાથી વધીને 1963 રૂપિયા થઈ છે.
ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં વધારાની આશંકા
હાલ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીને પગલે છેલ્લા થોડા મહિનાથી ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓક્ટોબર, 2021થી એલપીજી ગેસની કિંમત સ્થિર છે. સાતમી માર્ચના રોજ મતદાન પૂર્ણ થશે ત્યાર બાદ એવી આશંકા છે કે એલપીજી સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. કારણ કે હાલ ક્રૂડ ઓઇલની કિંમત 102 ડૉલર પ્રતિ બેરલને પાર ચાલી ગઈ છે.