નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતથી પરેશાન લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી સહિત અન્ય શહેરોમાં CNG અને PNGની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે CNGની કિંમતમાં 2.28 પૈસાનો વધારો થયો છે. મહત્વપૂર્ણ છે કે 2 ઓક્ટોબરે સતત ત્રીજા દિવસે દિલ્હી સહિત અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે.
ઇંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડે દિલ્હીમાં CNGની કિંમતમાં 2.28 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદમાં 2.55 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. આ વધારા બાદ ગ્રાહકોને હવે દિલ્હીમાં CNG 47.58 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જ્યારે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં 53.45 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળશે. CNGની નવી કિંમત 2 ઓક્ટોબર એટલે આજે સવારે 6 વાગ્યાથી લાગુ થઇ ગઇ છે.
બીજી તરફ કિંમતમાં થયેલા વધારા બાદ આજથી CNG, ગુરૂગ્રામમાં 55.81 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, રેવાડીમાં 56.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, કરનાલ અને કેથલમાં 54.70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, મુજફ્ફરનગર, મેરઠ, શામલીમાં 60.71 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, કાનપુર, ફતેહપુર, હમીરપુરમાં 63.97 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને અજમેરમાં 62.41 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળશે.
દિલ્હીમાં ઘરમાં સપ્લાય થઇ રહેલી પીએનજીની કિંમતમાં 2.10 રૂપિયા પ્રતિ ક્યૂબિક મીટરનો વધારો થયો છે. જે બાદ નવી કિંમત 33.01 રૂપિયા પ્રતિ ક્યૂબિક મીટર થઇ ગઇ છે. બીજી તરફ નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં પીએનજીની કિંમત 32.86 રૂપિયા પ્રતિ ક્યૂબિક મીટર પહોચી ગઇ છે. નવી કિંમત બે ઓક્ટોબરની સવારથી લાગુ થઇ ગઇ છે.