રાજ્યમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જાય છે. વધતા કોરોના સંક્રમણ રોકવા માટે સરકાર તમામ પગલાં ભરી રહી છે. સરકારે કોરોનાના દર્દીની ઝડપથી ઓળખ થાય તે માટે ઘણા રેપિડ ટેસ્ટ સેન્ટરો પણ શરુ કર્યા છે. ઘણા વિસ્તારમાં જઈને જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વોરિયર્સ પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

હોસ્પિટલમાં ડોક્ટરોની યોગ્ય સારવારના કારણે 61 વર્ષીય મનસુખભાઈએ કોરોનાને 18 દિવસમાં મહાત આપી છે. મનસુખભાઇ મૂળ અમરેલીના ચક્કરગઢ ગામના વતની છે. હાલમાં તેઓ સુરતના મોટા વરાછા વિસ્તારની સાંઇ પુજા રેસીડન્સીમાં રહે છે. મનસુખભાઈના પુત્રે ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, પિતા લૂમ્સના કારખાનામાં કામ કરે છે. તા. 7 સપ્ટેમ્બરે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક કોવિડ વોર્ડના આઇસીયુમાં દાખલ કર્યા. ઓક્સિજનની કમીના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 4 દિવસ વેન્ટિલેટર રહેતા તેમની તબિયતમાં સુધાર આવ્યો હતો.
આ પણ વાંચો : કોરોનાથી સારા થયેલા દર્દીઓના માથે મોટું જોખમ, પાલિકાએ શરુ કર્યું ફોલોઅપ સેન્ટર
મનસુખભાઇ છેલ્લા 4 વર્ષથી ડાયાબિટીસથી પીડિત છે. તેમને હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની સારવાર અને આત્મીયતાએ નવજીવન બક્ષ્યું છે. સ્ટાફના સદસ્યો પરિવારને રોજ વિડીયો કોલથી આશ્વાસન આપતા. સિવિલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા રેસીડન્ટ ડો. ગૌરવ લાખાણીએ કહ્યું કે, મનસુખભાઇ દાખલ થયા ત્યારે તેમની હાલત ઘણી ગંભીર હતી. તેમને પ્લાઝમાનું પણ સફળ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવ્યું. તેઓ 7 દિવસ ICUમાં રહ્યા. ત્યારબાદ નોર્મલ રૂપ એર મોનીટરિંગ હેઠળ સારવાર લઈને સંપૂર્ણ સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી રજા લીધી.
