રવિવારે મેગા અભિયાનમાં 1 લાખ લોકોને રસી મુકવાનો લક્ષ્યાંક પૂરો કરવા પાલિકાએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, મોડીસાંજ સુધીમાં 65 હજારનું રસીકરણ થયું હતું. શહેરના 310થી વધુ સેન્ટરો પર કામગીરી હાથ ધરાઇ હતી. જ્યારે બીજો ડોઝ બાકી હોય તેવા 1.25 લાખ લોકોને મેસેજ કરીને જાણ કરાઈ હતી. ઝોન વાઇઝ તમામની વિગતો સાથેની યાદી તૈયાર કરાઈ હતી. આ માટે ઝોન દીઠ 50થી વધુના સ્ટાફને માત્રને માત્ર કોલિંગ કામગીરી સોંપાઈ હતી. જેની સામે 34803 લોકો જ બીજો ડોઝ મુકાવવા આવ્યા હતા.
જ્યારે 30 હજારે પ્રથમ ડોઝ લીધો હતો. આ અભિયાનમાં દિવ્ય ભાસ્કરની ટીમે 9-9 મહિના બાદ પ્રથમ ડોઝ લેવા નિકળેલા લોકો સાથે વાતચીત કરી કારણો જાણ્યાં હતાં. જ્યારે સેકન્ડ ડોઝ કેમ બાકી છે તે સંદર્ભે પણ વાતચીત કરી હતી. નોંધનીય છે કે, સેન્ટરોની સંખ્યા વધારે હોવાથી રસી માટે ભીડ જોવા મળી ન હતી. સરળતાથી લોકો ડોઝ મુકાવી શક્યા હતા.
ઝોન પ્રથમ બીજો કુલ
સેન્ટ્ર્લ 2125 3,109 5234
વરાછા-એ 5741 6,538 12279
વરાછા-બી 2873 4,374 7247
કતારગામ 4915 4,662 9577
લિંબાયત 6807 5,363 12170
અઠવા 1181 2,851 4032
ઉધના 5268 3,047 8315
રાંદેર 1060 4,859 5919
કુલ 29970 34,803 64773