ભારતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ ઠેર ઠેર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ, હાલમાં વેલ માર્ક લૉ પ્રેશર સિસ્ટમ (Well mark Low pressure system) ગુજરાતમાં ઘટી ગઈ છે જેના કારણે હવે આગામી થોડા દિવસ વરસાદમાં ઘટાડો થશે. પરંતુ, આગામી બે દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઘણી જગ્યાએ છુટા-છવાયા ઝાપટા પડી શકે છે. પરંતુ, અંબાલાલ પટેલે 15 જુલાઈથી ફરી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે તારીખ 15 થી 22 જુલાઈમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે.

ત્યારબાદ 30 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર (Low Pressure) સક્રિય થશે. જેના પગલે 30 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ 27.75 % વરસાદ નોંધાયા ગયો છે. સૌથી વધારે દ્વારકા જિલ્લામાં 145.16 % વરસાદ નોંધાયા ગયો છે. દર વર્ષે વરસાદી પાણીના અભાવે એકદમ સૂકું રહેનાર કચ્છમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે. કચ્છમાં ગત વર્ષે આ સમયે માત્ર 6.27 % વરસાદ હતો અને આ વર્ષે 68.89 % નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 8 જુલાઈ સુધી 55.20 %, મધ્ય ગુજરાતમાં 17.19 %, ઉત્તર ગુજરાતમાં 14.52 % અને દક્ષિણ ગુજરાતમાં 16.25 % વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : જામનગર પર મેઘરાજાની મેઘમહેર, એક જ દિવસમાં દોઢ વર્ષ ચાલે તેટલું પાણી વરસાવ્યું

દર વર્ષે વરસાદની શરૂઆત અને સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે પરંતુ, આ વર્ષે આ સ્થાન સૌરાષ્ટ્રે લીધું છે. જયારે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની તુલનામાં સૂકો જોવા મળી રહ્યો છે.
