મોદી સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતને કંટ્રોલ કરવામાં બધી જ રીતે નિષ્ફળ થઈ ગઈ છે. મોદી સરકારે આંતરાષ્ટ્રીય માર્કેટના વધતા ભાવોને આગળ ધરીને પહેલાથી જ પોતાના હાથ ઉંચા કરી લીધા છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલ પર નાંખેલા અધધ ટેક્સને પણ ઓછા કરવાના મૂડમાં સરકાર દેખાઈ રહી નથી. આવનારા દિવસોમાં મીડલ ક્લાસથી માંડીને ગરીબ વર્ગનું જીવન દોહિલું બની શકે છે.
બુધવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી હતી, પરંતુ બુધવારે સરકારી ઓઇલ કંપનીઓએ ભાવમાં ફરીથી વધારો કર્યો છે. નવા વધારાની સાથે જ પેટ્રોલ-ડીઝલની કિંમત સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલની કિંમત 106.19 રૂપિયા અને ડીઝલની કિંમત 94.92 રૂપિયા પર પહોંચી છે.
પેટ્રોલ હાલ ATF (aviation turbine fuel) એટલે કે વિમાન માટે વપરાતા ઇંધણની સરખામણીમાં 34% મોંઘું થયું છે. દિલ્હીમાં ATFની કિંમત 79,020.16 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 79 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે. મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 112.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 102.89 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 103 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 103.31 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.