અમદાવાદ શહેરમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવો પડવાની અને ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ભારે વરસાદ વરસતા 3 જગ્યાઓ પર શોર્ટ સર્કિટની ઘટનાઓ બની હતી. અમદાવાદ શહેરમાં સૌથી વધુ વરસાદ સરખેજ વિસ્તારમાં વરસ્યો હતો.

અમદાવાદ શહેરમાં ગુરુવારની રાત્રે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં શહેરમાં સૌથી વધુ વરસાદ સરખેજ વિસ્તારમાં 1 કલાકમાં 4 ઇંચ પડ્યો હતો. તેમજ દૂધેશ્વરમાં 2.5 ઇંચ, મેમ્કોમાં 2 ઇંચ, બોડકદેવમાં 1.80 ઇંચ, રાણીપમાં 1.5 ઇંચ, ઉસ્માનપુરામાં 1.5 ઇંચ, વટવામાં 1.4 ઇંચ, નરોડામાં 1 ઇંચ, પાલડીમાં 1 ઇંચ, ગોતામાં 1.4 ઇંચ, દાણાપીઠમાં 0.75 ઇંચ, મણિનગરમાં 0.75 ઇંચ, વિરાટ નગરમાં 0.7 ઇંચ, ઓઢવમાં 0.5 ઇંચ, જ્યારે સમગ્ર શહેરમાં કુલ 1.75 ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ ભારે વરસાદને પગલે સાબરમતી નદી પર બાંધવામાં આવેલ વાસણા બેરેજના 5 દરવાજા ખોલવા પડ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના પાંચ નોરતા સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના પગલે શહેરના અનેક નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાયા છે. શહેરના અનેક પ્રમુખ ગરબા મેદાનો રાત્રીનાં ભારે વરસાદના પગલે પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.