રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્ય ઠેર-ઠેર મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે. જેના કારણે રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં વાતાવરણમાં પલટો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે અમદાવાદ, સુરત, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. રાજ્યના હવામાન વિભાગે અમદાવાદમાં આજે અને આવતીકાલે સામાન્યથી ભારે વરસાદ સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દાદર નાગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં ગત સાંજથી વરસાદની શરૂઆત થઇ હતી. જેના કારણે બફારાથી કંટાળેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકોના સુરતના મજુરા, અઠવાગેટ, રાંદેરમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને ગોંડલ, જામ કંડોરણા, ઉપલેટા, કોટડા સાંગાણી, ધોરાજી, જેતપુરમાં સારો વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં ગત 24 કલાકમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ જામ કંડોરણામાં નોંધાયો છે.
આ પણ વાંચો : લોકડાઉન પછી શું આ કારણે થઇ શકે છે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ?
તે ઉપરાંત, સુરેન્દ્રનગરના લિંબડી, ચુડા, ચાચકા, ભેંસજાળ, છતરીયાળા, ભૃગૃપર, વેજલકા, કરમડ, છલાળા અને સાયલા તાલુકાના ધાંધલપુર, ધજાળા, સુદામડા અને થોરીયાળી જેવા ગામોમાં વરસાદે પોતાનો રંગ જમાવ્યો હતો. અમરેલીના ખાંભા અને બગસરામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તે ઉપરાંત, ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે પ્રાકૃતિક સૌંદર્યને સજીવ કર્યું હતું.
