ઘણી વખતે કહેવામાં આવે છે કે, કેટલીક વખત નાનકડી મદદ મોટું કામ કરી જાય છે અને લોકડાઉનના સમયમાં આપણે એવા ઘણા ઉદાહરણો જોયા છે જેમણે લોકોને જરૂરના સમયે મદદ કરી છે. મુંબઈની 99 વર્ષની મહિલાનો વીડિયો આ વાતને સાબિત કરી બતાવે છે.
ઝાહીદ ઈબ્રાહીમ દ્વારા ટ્વીટર પર ટ્વીટ કરવામાં આવેલા આ વીડિયોમાં તમે એક વૃદ્ધાને ફૂડ પેકેટ્સ તૈયાર કરતી જોઈ શકશો. વીડિયોના કેપ્શનમાં ઈબ્રાહીમે લખ્યું છે કે, આ વીડિયોમાં જે વૃદ્ધા છે જે મારી આન્ટી છે અને મુંબઈના માઈગ્રન્ટ વર્કર્સ માટે ફૂડ પેકેટ્સ બનાવી રહી છે.
વીડિયોમાં વૃદ્ધા એલ્યુમિનીયમ ફોઈલમાં રોટી અને સબ્જી રેપ કરીને તેને બીજા પેકેટ્સ ઉપર મૂકતી જોવા મળે છે. એક દિવસ પહેલા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વૃદ્ધાની મદદ કરવાની ધગશને બીરદાવી રહ્યા છે. આ વીડિયોને આશરે 1.6 લાખ યુઝર્સે જોયો છે અને ઘણા લોકોએ શેર કરવાની સાથે કોમેન્ટ્સ પણ કરી છે.
