અમદાવાદ : 5 જૂન 2022, વિશ્વ પર્યાવરણ દિવસ પર, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ(APSEZ), જે ભારતની સૌથી મોટી ખાનગી મલ્ટી-પોર્ટ ઓપરેટર કંપની છે તેને, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી (વન અને પર્યાવરણ) જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) દ્વારા તેની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલ માટે સ્વીકૃતિ આપી સન્માનિત કરવામાં આવી હતી. APSEZને આ સન્માન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાની આસપાસના ગામોમાં જવાબદારીપૂર્વક પ્લાસ્ટિક કચરાના સંકલન અને તેના ટકાઉ નિકાલ મામલે દ્રષ્ટાંતરૂપ કામ કરવા માટે આપવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્નેહલ જરીવાલા, હેડ-એન્વાયરમેન્ટ, APSEZ અને મુન્દ્રાના નાના કપાયા ગામના સરપંચ જખુભાઈ સોધમએ APSEZ ટીમ વતી આ સન્માન સ્વીકાર્યુ હતું.
‘ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ’ના વિચારને આચરણમાં મૂકીને APSEZ લાંબા સમયથી પર્યાવરણને પ્રદૂષણથી મુક્ત રાખવામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. કંપની દ્વારા આ પહેલની શરૂઆત વર્ષ 2014માં કરવામાં આવી હતી. ‘સ્વચ્છ ભારત અભિયાન’ના વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખીને, APSEZ એ “ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ” ના પોતાના લક્ષ્યને મેળવવા માટે ‘5R’ એટલે કે રિડ્યુસ-રિપ્રોસેસ-રિયુઝ-રિસાયકલ-રિકવર પર આધાર રાખીને વેસ્ટ મેનેજમેન્ટના પોતાના લક્ષ્યને હાંસલ કરી રહ્યું છે. આ પહેલ હેઠળ કોઇ પણ નક્કર/પ્લાસ્ટિક વેસ્ટને લેન્ડફિલ કે સળગાવવા માટે મોકલવામાં આવતો નથી, તેના બદલે તે કચરાનો પુનઃઉપયોગ કરી શકાય, તે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
APSEZ મુન્દ્રાએ અદાણી ફાઉન્ડેશન સાથે મળીને પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શન ડ્રાઇવ અને તેના ટકાઉ નિકાલ માટે નાના કપાયા, વાંધ, નવીનાળ, બોરાણા, જરપારા જેવા મુન્દ્રાની આસપાસના કેટલાક ગામોથી શરૂઆત કરી હતી. તે બાદ GPCBના માર્ગદર્શન હેઠળ ગામની સફાઈ ટીમના સહયોગથી જુદા જુદા પાર્સલમાં પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવાનું શરૂ કર્યુ. આ ડ્રાઇવ દરમિયાન વર્ષ 2021માં, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કુલ 7,605 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ ઘન કચરાને જમીનમાં દાટવાને બદલે સિમેન્ટ પ્લાન્ટમાં કો-પ્રોસેસિંગ માટે મોકલી તેનો નિકાલ કરવામાં આવ્યો. APSEZ દ્વારા મુન્દ્રા ખાતે મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF) પણ ઇન્ટોલ કરવામાં આવી છે, જેથી જોખમી કચરા અને રિફ્યૂઝ ઇંધણ (નોન-રિસાયકલ પ્લાસ્ટિક કચરા) ને યોગ્ય રીતે અલગ કરી, તેનો નિકાલ કરી શકાય.
કંપનીએ તેના વિઝનને અનુરૂપ, વર્ષ 2016માં ગ્રીન વોરિયર્સની એક ટીમ બનાવી હતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મટિરિયલ્સ જેમ કે પોલિથીન બેગ, ચાના કપ, પાણીના પાઉચના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત કંપનીની અંદર, શાળાઓમાં અને મુન્દ્રાની આસપાસના ગામોમાં વિવિધ જગ્યાએ તેણે આ અંગે જાગૃતિ કાર્યક્રમો, ક્લિન-અપ પ્રવૃત્તિઓ અને પ્લાસ્ટિક-ફ્રી સ્તરની ચકાસણી કરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે અનેક પ્રયાસો કર્યા. જે પ્રયાસોને જોતા સરકાર દ્વારા પણ તેના આ કાર્યને વિશ્વ પર્યાવરણ દિવસ પર બિરદાવવામાં આવ્યું છે.