અમેરિકન રાષ્ટ્રપતિ જાતે ભારતમાં યોજાવનારા સ્વાગત કાર્યક્રમ માટે ઉત્સાહિત છે અને એક કરોડ લોકોનો આવવાનો દાવો કરી રહ્યા છે. જયારે, કોંગ્રેસ પાર્ટીએ આ દાવા ઉપર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, કોના આમંત્રણ પર અમેરિકન રાષ્ટ્રપતિ ભારત આવી રહ્યા છે. રણદીપ સુરજેવાલાએ વિદેશ મંત્રાલયને નિવેદન આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમદાવાદનો કાર્યક્રમ કોઈ ખાનગી સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, નાગરિક અભિનંદન સમિતિ કઈ છે?, તેના સભ્યો કોણ છે? જો ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ ખાનગી સંસ્થા દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે તો ગુજરાત સરકાર કરોડો રૂપિયા શા માટે ખર્ચ કરે છે?

કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, મોદી સરકારે જવાબ આપવો જોઇએ કે અમદાવાદના કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિને કોણે આમંત્રણ આપ્યું છે?. કારણ કે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે, તેમને નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવ્યા છે, પરંતુ વિદેશ મંત્રાલય કહે છે કે, આ કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી.
આ પણ વાંચો:‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ક્યાંથી આવશે 70 લાખ લોકો ?, સોશિયલ મીડિયાના જવાબ તમને પણ વિચારમાં મુકશે

કોંગ્રેસ નેતાએ પોતાના ટ્વિટમાં દાવો કર્યો હતો કે, ગુજરાત સરકાર ત્રણ કલાકના કાર્યક્રમમાં 120 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. વિદેશનીતિ એ ગંભીર વિષય છે, તે કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટનો ભાગ નથી.
નમસ્તે ટ્રમ્પનું આયોજન કોણ કરી રહ્યું છે?
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો ભાગ લેશે.
ગુરુવારે વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં કોને બોલાવવાના છે તેનો નિર્ણય વિદેશ મંત્રાલય લઈ રહ્યું નથી. આ કાર્યક્રમ ‘ડોનાલ્ડ ટ્રમ્પ અભિનંદન સમિતિ’ દ્વારા યોજવામાં આવ્યો છે, જેથી કાર્યક્રમમાં કોને બોલાવવા અને કોને નહીં બોલાવવા તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે.
