US ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસ માટે અમદાવાદ આવશે અને બીજા દિવસે દિલ્હી રવાના થશે. દિલ્હીમાં તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે સંરક્ષણ અને વેપાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે બેઠક કરશે.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ બુધવારે જણાવ્યું હતું કે, ટ્રમ્પ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારત આવશે. તે ઉપરાંત જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે અભૂતપૂર્વ સંબંધો છે, ટ્રમ્પનો આ પ્રવાસ અમેરિકામાં ગયા વર્ષે હ્યુસ્ટનમાં હાઉડી મોદીના જેવો જ હશે.
આ પણ વાંચો : નમસ્તે ટ્રમ્પ : મોટેરામાં એન્ટ્રી પાસ માટે કેવી છે મંત્રીઓ-અધિકારીઓની હાલત
25 ફેબ્રુઆરીએ ટ્રમ્પ અને મોદી સંરક્ષણ અને વેપાર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તે ઉપરાંત ટ્રમ્પ માટે લંચનું પણ આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાંજે તેમના માટે ડિનરનું આયોજન કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી કરવામાં કોઈ ઉતાવળ નથી અને તેઓ લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી નિર્ણય લેશે. પરંતુ, તેમની વચ્ચે કેટલાક સંરક્ષણ સોદા થવાની સંભાવના છે.
ગુજરાતના CM રૂપાણી આવકારવા તૈયાર છે
અમદાવાદની મુલાકાત પૂર્વે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, ‘વિશ્વની સૌથી જૂની લોકશાહી 24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા લોકશાહીને મળશે’ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વિશાળ સભાને સંબોધિત કરશે. આ વિડીયો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ‘વોઇસ ઓવર’ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

નવા બનેલા મોટેરા સ્ટેડિયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ ઇવેન્ટમાં 1.10 લાખ લોકો સામેલ થવાની સંભાવના છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવનારા અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ છે. 24 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે જ રહેશે.’
આ પણ વાંચો : અમદાવાદ પહોંચી સૌથી તાકાતવર કાર, જેમાં હશે ટ્રમ્પના કાફલાનું રિમોટ, જાણો શું છે ખાસિયત
આ કાર્યક્રમ પ્રમાણે, મોદી અને યુએસ રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટથી ક્રિકેટ સ્ટેડિયમ સુધી 22 કિલોમીટરનો રોડશો કરશે. તેઓ સ્ટેડિયમ જવાના માર્ગમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે.
અમદાવાદમાં પણ એમ્બેસી ખુલી શકે છે.
આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં અમેરિકન એમ્બેસીની ખોલવાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકન એમ્બેસી શરૂ કરવા માટે વડાપ્રધાન કાર્યાલય, ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય અને એક્સટર્નલ અફેર્સ મંત્રાલય દ્વારા મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

હાલમાં, ગુજરાતના નાગરિકોને અમેરિકાના વિઝા મેળવવા માટે મુંબઇ, દિલ્હી અથવા તો ચેન્નાઇ જવું પડે છે, ગુજરાતમાં અમેરિકાની એમ્બેસી ન હોવાથી આ હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં અમદાવાદમાં એમ્બેસી ખુલવાથી ગુજરાતીઓને મોટો લાભ થશે
