અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડીએ ભારતના પ્રવાસે છે અને દિલ્હી, અમદાવાદ અને આગરાની મુલાકાત લેશે. પોતાના પહેલા ભારત પ્રવાસ પર આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ પુરી રીતે તૈયાર છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સંબોધન કરશે. એ ઉપરાંત એરપોર્ટ પર મોટેરા સ્ટેડિયમ સુધી બંને નેતા રોડ શો કરશે. આ સ્ટેડિયમમા સવા લાખની મેદની ઉમટશે.
અમદાવાદ જિલ્લા ઉપરાંત ૧૦ જિલ્લામાંથી સવા લાખ લોકોને બોલાવવામાં આવ્યા છે.અમદાવાદ અને ગાંધીનગરમાં LRDના મુદ્દે આંદોલન ચાલી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ચાલતા વિવિધ આંદોલનની અસર ન દેખાય તે માટે કસરત કરાઇ રહી છે. આમંત્રિત મહેમાનોને કાળા કપડાં ન પહેરવા કે પછી કાળો રૂમાલ પણ સાથે ન રાખવા સુચના અપાઇ છે ભૂલથી પણ કાળો રૂમાલ કે કાળા કપડાં પહેર્યા હશે તો મોટેરા સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં મળે તેવી વ્યવસ્થા ગોઠવાઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

રોડ શો જોવા લોકો માટે પોલિસ કમિશ્નરે જાહેરમામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા લખેલ લખાણની જાણકારી સોસાયટીના નોટિસ બોર્ડ પર મુકવામા આવી છે. જાહેરનામામાં લખ્યું છે કે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી ગાંધી આશ્રમ સધીનો રોડ શો કરવાના છે. જે લોકોને રોડ શો જોવો હોય તેઓએ પોલિસે બનાવેલા આઈ કાર્ડ પહેરવાના રહેશે. જે ભાઈ બહેનને રોડ શો જોવાની ઈચ્છા હોય તેઓએ સોસાયટીની ઓફિસમા ૧૮ ૦૨ ૨૦ સુધીમા પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ કોપી તથા મોબાઈલ ફોન નંબર આપવાનો રહેશે।
હરિયાણાની પાસિંગનાં વાહનોમાં સિક્રેટ સર્વિસ એજન્ટો

ટ્રમ્પ-મોદીના રોડ શો માટે પોલીસે નક્કી કરેલા રૂટના નિરિક્ષણ માટે યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો શનિવારથી ફરી રહ્યા છે. આૃર્યની વાત એ છે કે, અમેરીકન એજન્ટો યુએસની મોંઘી ગાડી કે અન્ય કોઇ લકઝુરીયસ કારમાં ફરતા નથી. પરંતુ હરિયાણા સહિત અન્ય રાજ્યના પાર્સીંગવાળી કારમાં શહેરમાં ફરી રહ્યા છે.
૨૪મીએ બસોના ૫૦થી વધુ રૂટ ડાયવર્ટ

એરપોર્ટથી મોટેરા થઇ ગાંધીઆશ્રમ સુધીના માર્ગ ઉપર રોડ શો દરમિયાન AMTS-BRTSના ૫૦થી વધુ રૂટો ડાયવર્ટ કરી દેવામાં આવશે। આ રૂટ ઉપર દોડતી બસોને છ કલાક માટે ડાયવર્ટ કરાશે કે પછી તેના કેટલાંક રૂટ બંધ કરાશે. જોકે, આ અંગે સત્તાવાર જાહેરાત બાકી છે પણ આ અંગે પોલીસ અને AMC ભેગા મળીને કામ કરી રહ્યાં છે.
AMCના કંટ્રોલ રૂમમાં સિક્રેટ એજન્સીના એજન્ટો

AMC અને પોલીસ દ્વારા શહેરભરમાં ૪,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે સાથે જ સ્માર્ટ સીટી પ્રોજેક્ટના બે કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે. ત્યારે બીઆરટીએસનો ઉસ્માનપુર સ્થિત કંટ્રોલ રૂમ છે. આ ત્રણેય કંટ્રોલ રૂમોની પણ અમેરિકાની સિક્રેટ એજન્સી મુલાકાત લે તેવી સંભાવના છે સાથે રોડ શોના દિવસે આ કંટ્રોલ રૂમમાં સિક્રેટ એજન્સીના કેટલાંક ઓફિસરને મૂકવામાં આવે તેવી સંભાવના છે.
મળતી માહિતી મુજબ રોડ શોના ૨૨ કિ.મી.ના રૂટ ઉપર ૧૦૦થી વધુ એવા લોકેશન છે જ્યાં સીસીટીવી કેમરા નથી જેથી AMC અને પોલીસ દ્વારા આ લોકેશનનો સરવે કરાઇ રહ્યો છે અને ૧૦૦થી વધુ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ અંગે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ૬,૦૦૦ કેમેરા ફીટ કરવાના નક્કી કરાયા છે તે બજેટમાંથી રૂપિયા વાપરવાનું નક્કી કરાયું છે.
