ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન જાહેર કર્યું હતું. આ લોકડાઉનમાં તમામ પ્રકારના નોકરી-ધંધા બંધ હોવાના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ભારે અસર થઇ છે. દેશની અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવા માટે અનલોક -1 માં લગભગ તમામ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉદ્યોગ સંગઠન પરિસંઘ (CII)ના વાર્ષિક સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે સંબોધનમાં ભારતીય ઉદ્યોગ જગતને દેશની આર્થિક વૃદ્ધિના માર્ગે લાવવા માટે મંત્ર શૅર કર્યો. આ મહામારી સાથે આર્થિક વિકાસ ઘણો મુશ્કેલ હોવા છતાં PM મોદીએ કોરોના સામેની લડાઈ સાથે દેશની અર્થવ્યવસ્થાનું પણ ધ્યાન રાખવાનું જણાવ્યું હતું.
સરકારે દેશને આત્મનિર્ભર બનાવવા અને અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં PM મોદીએ CIIના કારોબારીઓને સરકાર તેમની સાથે હોવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે, તમે એક ડગલું આગળ આવશો તો સરકાર ચાર ડગલા આગળ આવશે. સરકાર આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉદેશ્ય રોજગાર નિર્માણ અને વિશ્વાસ ઊભો કરવાનો છે.
અમારા નિર્ણયોમાં, ઇન્ક્લુઝન, ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઝલક જોવા મળશે. આજે ભારત ગ્રોથની નવી ઉડાન ભરવા માટે તૈયાર છે. ખેડૂતો સાથે થતા અન્યાયને પણ દૂર કરવાનો સરકાર પ્રયત્ન કરે છે. જેના પગલે ખેડૂતો હવે જ્યાં ઈચ્છે ત્યાં પાક વેચી શકે છે. સરકાર જે દિશામાં આગળ વધી રહી છે તેનાથી માઈનિંગ ક્ષેત્ર, સંશોધન ક્ષેત્ર, ઉદ્યોગ જેવા દરેક ક્ષેત્રમાં યુવાનોને તક મળશે. MSME ક્ષેત્રના લાખો એકમો દેશના GDPમાં લગભગ 30% હિસ્સો ધરાવે છે. આ ક્ષેત્રના કરોડો સહયોગીઓને લાભ પહોંચાડવા માટે રૂ. 200 કરોડ સુધીની સરકારી ખરીદીમાં વૈશ્વિક ટેન્ડરને બંધ કરવામાં આવ્યું છે.
આ સંકટ સમયમાં ભારતે 150 થી વધુ દેશને તબીબી પુરવઠાની મદદ કરી છે. ભારતના ઉદ્યોગોએ આ બાબતનો પૂર્ણ લાભ લેવો જોઈએ CII જેવી સંસ્થાએ વૈશ્વિક સ્થળે ઉદ્યોગોને વધારવા મદદ કરવી પડશે. હવે ભારતમાં મેડ ઇન ઇન્ડિયા હોય અને મેડ ફોર ફોરેન હોય તેવા ઉત્પાદનો બનાવની જરૂર છે. વૈશ્વિક નિકાસમાં આપણો હિસ્સો ખૂબ ઓછો છે. આપણે ઘણા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી શકીએ છીએ. આગામી સમયમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ, સંરક્ષણ ઉત્પાદન સહીત ઘણા ક્ષેત્રોમાં આયાતની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભારતમાં કૃષિ, મત્સ્યઉદ્યોગ, ફૂટવેર જેવા તમામ ક્ષેત્રે નવી તકો આવી છે.
આ પણ વાંચો : ભલે ‘નિસર્ગ’નો ગુજરાત પરથી ખતરો ટળ્યો, પરંતુ રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
PM મોદીએ કહ્યું કે, મને દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેક્નોલોજી પર ભરોસો છે. જેથી, આપણી અર્થવ્યવસ્થા ઝડપથી જીવંત થઇ જશે. આ વાતને સિદ્ધ કરવા PM મોદીએ કહ્યું કે, આજથી ત્રણ મહિના અગાઉ દેશમાં એક પણ PPE કિટ બનતી નહોતી. પરંતુ આજે તેનું ઉત્પાદન રોજની ત્રણ લાખ કિટ પર પહોંચી ગયું છે. PM મોદીએ CII દરેક સેક્ટરને લઈ એક રિસર્ચ તૈયાર કરી સરકારને પ્લાન આપે તેવું જણાવ્યું હતું.
સરકારે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 20 લાખ કરોડ ની આર્થિક સહાય આપી છે જેમાં, સરકારે ખરીફ પાકના ટેકાના ભાવ (MSP) વધારવાની અને લઘુ-મધ્યમ ઉદ્યોગો (MSME) સાથે સંબંધિત યોજનાઓને પણ મંજૂરી આપી છે. મોદીએ MSMEને મદદ કરવા માટે ચેમ્પિયન પોર્ટલ પણ શરૂ કર્યું છે.
